________________
શ્રી ધર્મરત્નપ્રકરણના આધારે ભાવશ્રાવકનાં છ લક્ષણો
અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ધર્મરત્નપ્રકરણમાં ધર્મ કરવાની યોગ્યતા તરીકે સૌથી પહેલાં માર્ગાનુસારીના એકવીસ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલાં અક્ષુદ્ર ગુણ બતાવ્યો છે. તેમ જ છેલ્લે મધ્યસ્થતા, લબ્ધલક્ષ્યતા વગેરે ગુણો અહીં જણાવ્યા છે. આજે આપણે ધર્મની યોગ્યતાની ઉપેક્ષા કરીને ધર્મ કરવાની શરૂઆત કરી છે ને ? શાસકારો કહે છે કે જેઓ ક્ષુદ્ર ન હોય અને જેનું લક્ષ્ય બંધાયેલું હોય તેઓ ધર્મ કરવાની યોગ્યતા ધરાવે છે. ગમે તે રીતે ધર્મ કરીએ છતાં મોક્ષ મળે – તેવું નથી. જેઓ કૃપણ હોય તેઓ ધર્મ કરવા માટે યોગ્ય નથી. કારણ કે કૃપણ જીવોનો એ સ્વભાવ છે કે પોતાનું ન વાપરે અને બીજાનું ખંખેરી લે. અક્ષુદ્ર તે કે પોતાની પાસે મન, વચન, કાયાની કે પૌદ્ગલિક જેટલી પણ સામગ્રી છે તેને ધર્મમાં વાપરે. અક્ષુદ્રતા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. ધર્મમાં આ પૌગલિક સામગ્રીની જરૂર નથી. પરંતુ પુદ્ગલ ઉપર, શરીર ઉપર કે વચન તથા મન ઉપર જે રાગ છે તેને દૂર કરવા માટે તે વાપરવાનું જણાવ્યું છે. આજે આપણે જેટલું વાપર્યું છે તેના કરતાં રાખ્યું વધારે છે ને? આનું જ નામ કૃપણતા. મનથી વિકથાનું જ ચિંતન કરવાનું ફાવે. વચન તો વિકથા કરવા જ ટેવાયેલાં છે. સૂત્રો બોલવાનું ન ફાવે ને ? કાયા તો બીજા કામ કરતા હોય ત્યાં સુધી પોતે કરવા રાજી નથી. આનું નામ કૃપણતા.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧