________________
દેવમનુષ્યદાનવોની સભામાં સારી રીતે કહેલું છે તેમ જ જે રીતે જણાવ્યું છે તે જ રીતે સમ્યરૂપે તેનું આસેવન પણ કર્યું છે; તે અઘ્યયન (ધર્મપ્રજ્ઞપ્તિ:) ધર્મને પ્રકર્ષે જણાવનાર હોવાથી તેના કારણે ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી તે છજીવનિકાય અધ્યયનનું પઠન-શ્રવણ-પરિભાવન કરવું એ મારા આત્મા માટે શ્રેયસ્કર-કલ્યાણકારી છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે એ ષડ્જવનિકાય નામનું અધ્યયન કયું છે ? ત્યારે ગુરુ ભગવંત કહે છે કે - તે અધ્યયન આ પ્રમાણે છે.
આ અધ્યયનની શરૂઆતમાં શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબૂસ્વામીને આયુષ્યમાન તરીકે સંબોધીને પછી ભગવાનની વાત જણાવે છે. શ્રી શય્યભવસૂરિ મહારાજે આવી શૈલીથી નિરૂપણ કર્યું છે તેની પાછળ પણ વિશિષ્ટ બોધ આપવાનું તાત્પર્ય છે. શિષ્યનું આ રીતે વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે સમર્થજ્ઞાની એવા ગુરુભગવંતે ગુણવાન એવા શિષ્યને આગમનાં રહસ્ય જણાવવાં જોઈએ, નિર્ગુણને નહિ. આયુષ્યમાન એ સુંદર સંબોધન છે. ગમે તેટલું સારું કરવાનું મન હોય, ઊંચામાં ઊંચું જીવન જીવવાનું મન હોય પણ આયુષ્યનો સાથ ન હોય તો કશું કરી શકાય નહિ. જ્ઞાનાદિની સાધના માટે પણ આયુષ્ય દીર્ઘ હોય, ગણનાપાત્ર હોય એ જરૂરી છે. આથી સાધનાની આ દીર્ઘાયુષ્યસ્વરૂપ યોગ્યતા જણાવવા દ્વારા અન્ય યોગ્યતાને ઉપલક્ષણથી જણાવી છે - એમ સમજવું. આ રીતે શિષ્યને સંબોધીને જણાવે છે કે “મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું છે.’ ‘સાંભળ્યું છે’ એવું જણાવવા જે શ્રુતમ્ પદનો પ્રયોગ કર્યો છે, તેની ટીકા કરતાં જણાવ્યું છે કે ત્રૂયતે તર્ કૃતિ શ્રુતમ્ - ‘જે સંભળાય છે તે શ્રુત' આ રીતે શ્રુતની સામાન્યથી વ્યાખ્યા કર્યા બાદ તેનો વિશેષ અર્થ કરતાં જણાવે છે કે પ્રતિવિશિષ્ટ અર્થના પ્રતિપાદન માટે જે તત્પર હોય તેને શ્રુત કહેવાય. લોકો જે જાણે છે, જાતે સમજી શકે છે તેના માટે શ્રુત-શાસ્ત્રની જરૂર નથી. આથી શ્રુત પ્રતિવિશિષ્ટ અર્થને જણાવનાર હોય છે. જે વાત આપણે જાણીએ છીએ તે વાત જો શાસ્ત્રમાં બતાવેલી હોય તોપણ તેના દષ્ટિકોણમાં વિશેષતા ચોક્કસ હોય. શાસ્ત્રમાં સંસારના સુખનું વર્ણન આવે તોપણ તે તેની હેયતા, અનિત્યતા જણાવવા માટે બતાવ્યું હોય. ધર્મની કષ્ટકારિતાનું વર્ણન આવે તોપણ તે ધર્મની અસાધારણ ઉપાદેયતા સમજાવવા માટે હોય. જેમાં આપણા નુકસાનની નહિ, લાભની વાત હોય; અહિતની નહિ, હિતની વાત હોય તેમ જ જે ઇષ્ટ ફળ સુધી
(૪૪)
પહોંચાડનાર હોય તેને પ્રતિવિશિષ્ટ અર્થ કહેવાય અને આવા અર્થને જણાવવા માટે જે તત્પર હોય તેને શ્રુત કહેવાય. તમે સાધુ પાસે શાસ્ત્ર સમજવા જાઓ કે વાતો કરવા માટે ? શાસન-સમાચારની આપ-લે કરવા માટે જાઓ કે આગમનાં રહસ્યો સમજવા માટે ? શ્રી વીતરાગપરમાત્મા પાસે સાધુઓ શું સાંભળતા હતા અને આપણે વીતરાગના સાધુઓ પાસે શું સાંભળીએ છીએ : એ બેનો વિચાર કરવાની જરૂર છે. આ શ્રુતની વ્યાખ્યા જો યાદ રહી જાય તો તમારા કે અમારા જીવનમાંથી બધી જ વિકથાઓ દૂર થઈ જાય. આપણા દોષોને બતાવે, આપણા ગુણોનો આવિર્ભાવ કરી આપે અને ક્રમે કરી પરમપદે પહોંચાડે તે પ્રતિવિશિષ્ટ અર્થ. સાધુ પાસે જવામાત્રથી સત્સંગ નથી થઈ જતો. સાધુ પાસે જઈને શું વાત કરીએ છીએ તેના આધારે સત્સંગ ગણાય છે. જે તમે જાણો છો તે બતાવવા માટે વ્યાખ્યાન નથી, જે તમારે જાણવાનું બાકી છે તે જણાવવા માટે વ્યાખ્યાન છે. સંસારમાં સુખ કઈ રીતે મેળવવું એ તો તમે જાણો જ છો, તેથી તેના માટે વ્યાખ્યાન આપવાની જરૂર નથી. સંસારથી છૂટીને મોક્ષે જવાનો માર્ગ કયો છે – એ સમજાવવા માટે વ્યાખ્યાન છે. આજે સંસાર છોડીને સાધુ થવાનો ઉપદેશ આપે - એવી દેશના લગભગ ગમતી જ નથી. તેનું કારણ એક જ છે કે હજુ સુધી સંસારનું સુખ જ ગમે છે. વસ્તુ સારામાં સારી હોય, પીરસનાર પણ સારો હોય છતાં તેની રુચિ ન જાગે તો માનવું પડે ને કે પેટ બગડ્યું છે ! માત્ર આકર્ષક પદોની રચના શ્રુતસ્વરૂપ નથી, જે પ્રતિવિશિષ્ટ અર્થને જણાવે છે તે શ્રુત છે. આ જ આશયથી પરમાત્માની સ્તવના પણ અર્થથી ગંભીર એવાં સ્તોત્રો વડે કરવાની કહી છે. પદોનું લાલિત્ય હોય એટલામાત્રથી કામ ન થાય, થોડા શબ્દોમાં ગંભીર અર્થ જણાવવા તત્પર એવાં સ્તોત્રો હોવાં જોઈએ. આપણને તો અર્થ સાથે કોઈ નિસબત નથી ને ? તમને શેમાં મજા આવે ? અર્થગંભીર સ્તોત્રો બોલવામાં કે મંત્રાક્ષરો બોલવામાં ? આ તો કહે ‘ઉવસગ્ગહર બોલવાથી માથું ઊતરી જાય, શાંતિ સાંભળવાથી શાંતિ સ્થપાય...' આપણે કહેવું પડે કે - આ મંત્રાક્ષરો તમને સંસારમાં સુખી બનાવવા કે તમારું દુ:ખ ટાળવા માટે નથી. મંત્ર તો તેને કહેવાય છે કે જે (મનનાત્ ત્રાયતે) મનન કરવા દ્વારા આ સંસારથી તારે. જેમાં સંસારથી તરવાનો ઉપાય બતાવેલો હોય તેવાં પદોની રચનાને શ્રુત કહેવાય છે. જેને સામાન્ય અર્થમાં જ સંતોષ હોય તેને શ્રુત ન મળે. શિષ્ય
(૪૫)