________________
અજ્ઞાનથી જીવને મરણનો ભય
વવાણિયામાં એકવાર શ્રીમદ્જી તથા મૂળજીભાઈ ભાટિયા ફરવા માટે ગયા. સ્મશાનથી થોડે દૂર ઊભા હતા. ત્યાં સ્મશાન તરફ જોતાં સળગતી વસ્તુ ચાલતી દીઠી. પછી બે, ચાર, છ, દસ સ્થાનોએ આવો પ્રકાશ ચાલતો દીઠો. મૂળજીભાઈ તે જોઈ ભય પામ્યા. ત્યારે પરમકૃપાળુદેવે આ ભય નિવારવા કહ્યું કે ચાલો, આપણે ત્યાં જઈએ. સ્મશાન તરફ જતાં રસ્તામાં એક માણસ મળ્યો.તેને પૂછતાં ખબર પડી કે એક મુસલમાન ગુજરી ગયો છે અને રાત હોવાથી કબ્રસ્તાન તરફ જતા આ બધા મશાલચીયો છે. અજ્ઞાનને લઈને જીવને ભય લાગે છે. તેમ સ્વરૂપ અજ્ઞાનતાના કારણે આ જીવ મરણથી ભય પામે છે. “મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.”
શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૩૫)
“સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૭૯)
૫૮