________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ
પૂ.શ્રી બ્રહ્મચારીજીની દૃષ્ટિમાં પણ પરમકૃપાળુદેવ પરમાત્મા છે. પ.પૂ.પ્રભુશ્રીજીમાં આચાર્યના બધા ગુણો હોવા છતાં સર્વને એક પરમકૃપાળુદેવને જ માનવા એમ આજ્ઞા થવાથી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પણ પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા લાગ્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજી ‘બોઘામૃત ભાગ-૩’માં જણાવે છે ઃ- “દુષમકાળમાં પણ જ્ઞાની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ ‘અમ થકી’=પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કાર કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણ પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે ‘એક આપડી ને ઊભે માર્ગે તાપડી’ની વાત જેવું આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે (બો.૩ પૃ.૭૭૯)
પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમ ભક્તિના પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઉદ્ગારો
‘બોઘામૃત ભાગ-૧,૩ માંથી - એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે...એકને ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે. (બો.૩ પૃ.૧૨૩)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ પ.ઉ.પ્રભુજીએ આપણને બતાવી આપણા ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા યોગ્ય, ઉપાસવા યોગ્ય, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે. તેમજ તેઓશ્રીનાં વચનામૃત સત્શાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દૃઢ કરવા યોગ્ય છે. (બો.૩ પૃ.૧૩૫)
પરમકૃપાળુદેવનો અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનોને ઉત્તમ અઘ્યાત્મ માર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. (બો.૩ પૃ.૪૨૩)
પરમકૃપાળુદેવ જેના હૃદયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયો છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે તથા તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જીવો પ્રશંસાપાત્ર છેજી. (બો.૩ પૃ.૪૨૩)
આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે...માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન ભક્તિ-પ્રેમભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી. નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૬૦૪)
પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા નથી. તે સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી એમ મને તો લાગે છેજી. બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તો સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૭૩૬) પરમકૃપાળુદેવ સિવાય કોઈ ઉદ્ઘાર કરે તેમ નથી. એવો દૃઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળાં લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે...ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નીવેડો આવશેજી. (બો.૩ પૃ.૭૮૩)
જ્ઞાનીપુરુષની શ્રદ્ધા તે સમિકત છે. કૃપાળુદેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ, એમ પુરુષપ્રતીતિ થઈ તો તે સમકિતની ગણતરીમાં છે. પુરુષ પ્રતીતિ, વચન પ્રતીતિ, આજ્ઞારુચિ એ બધાં સમકિતનાં કારણો છે. (બો.૧ પૃ.૨૯૪)
જે સદ્ગુરુ છે તેની ભક્તિ કોઈ પુણ્યવાનને જાગે છે... દેવ અને ધર્મનો આધાર ગુરુ છે. ગુરુ હોય તો દેવ અને ધર્મ સમજાય, નહીં તો ન સમજાય. (બો.૧ પૃ.૧૦૩)
૧૫૫