________________
પરમકૃપાળુદેવની નિષ્કારણ કરુણા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. (પૃ.૪૯૯)
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩ (પૃ.૫૨૭)
‘બોઘામૃત ભાગ-૩માંથી -
પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર જેમ જેમ તેમનાં વચનો વારંવાર વંચાય છે તેમ તેમ વિશેષ વિશેષ ફુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે “મોક્ષમાર્ગ બહુ લોપ થયેલો તે “ભાખ્યો અત્ર અગોપ્ય” પ્રગટ કર્યો. એના યોગબળે અનેક જીવો સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણાં પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચનો પર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે આપણો આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ઘરાઈને જેણે અમૃતપાન કર્યું છે એવા શ્રી લઘુરાજસ્વામીનો પણ પરમ ઉપકાર છે કે જેમણે પોતાને અલભ્ય લાભ થયો તે સર્વ આ કાળના જિજ્ઞાસુ જીવો પામે એવી નિષ્કારણ કરુણાથી આખર વખતે પોતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બોઘવચનોમાં પોતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેનો લાભ મળ્યા કરે તે અર્થે જ જણાવું છુંજી–
“સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહ્યું. “વીસ દુહા’ ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, છપદનો પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે', એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુઘી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું? (પૃ.૪૮૧)
- જ્ઞાનીનો માર્ગ સુલભ પણ પામવો દુર્લભ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીઘો છે. પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. (પૃ.૯૬૮)
સપુરુષને ઓળખવા માટેની પાત્રતા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. (પૃ.૨૮૯),
મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. (પૃ.૨૮૮)
આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે.
૧૫૧