________________
પરમકૃપાળુદેવની અપૂર્વ વાણી શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોઘ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોઘપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. (પૃ.૪૯૬)
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. (પૃ.૩૭૬)
ઉપદેશામૃત'માંથી -
દેવચંદ્રજીનાં સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા, દ્રઢ શ્રદ્ધા કરવી. (પૃ.૪૧૧)
બોઘામૃત ભાગ-૩' માંથી -
પરમકૃપાળુદેવનાં વચનો આ કાળમાં તો અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકો જોઈએ છીએ ત્યારે તેની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તો પણ તેના તે જ શબ્દો વારંવાર બોલાશે, સંભળાશે તોપણ જીભ મળી છે તે લેખે આવશે, કાન પાવન થશે. (પૃ.૧૨૬)
પરમકૃપાળુદેવનાં વચનામૃતો છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર ને સસ્પંથે દોરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર ભોમિયારૂપ છે; તો તે વચનામૃતોમાંથી જે જોઈએ તે મળી શકે છે. (પૃ.૬૬૭)
સપુરુષોનાં વચનો પ્રત્યક્ષ સત્પષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાઘાય તો સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં બળ છે, માટે સત્સંગનો યોગ ન બને તેમ હોય તોપણ વિશેષ બળ કરી તે વચનોનો પરમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ૨૪ કલાકમાંથી એકાદ-બે કલાક ખોટી થવાનો અભ્યાસ રાખશો તો તેની અસર બીજાં કાર્યો કરતાં પણ જણાઈ આવશે. (પૃ.૩૩૧)
‘જીવનકળા’માંથી :
બીજે દિવસે પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વ વાણી પ્રકાશી. પોતે પરમ વીતરાગ મુદ્રા ઘારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે, આત્મપ્રદેશોથી નિકટતરથી લૂછાઈને પ્રગટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. તેમ જ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. (પૃ.૧૮૪)
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું અલૌકિક માહાભ્ય “ઉપદેશામૃતમાંથી - વચનામૃત વાંચવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારશે. (પૃ.૧૨૮) બોઘામૃત ભાગ-૧,૩ માંથી -
આ વચનામૃત છે, તે નિસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરીભાવ પામીને આ વચનો કૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લોકોના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઈએ. પુસ્તક કોઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તો લાભ થાય. (બો.૧ પૃ.૨૫૭)
વચનામૃત છે તે ભગવતીસૂત્ર કરતાં પણ વધારે, સિદ્ધાંતના સાર જેવું છે. પણ ચેતતો નથી. કોઈને કૃપાળુદેવનો એક પત્ર મળતો, કોઈને બે પત્ર મળતા. પણ આપણને તો આખું વચનામૃત મળ્યું છે. કળિકાળમાં પ્રગટ જ્ઞાનીનો બોઘ આ છે, તે પીએ તો તરસ છીપે. સત્સંગનો આ કાળમાં દુષ્કાળ પડ્યો છે. (બો.૧ પૃ.૨૨૫)
૧૪૯