________________
ઉત્તમ સમાધિમરણા
શ્રી મનસુખભાઈ જણાવે છે : “જે કૉચ ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂઘ પીઘા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંઘ છૂટ્યો.” (જી.પૃ.૨૬૮)
“શ્રીમદ્દ દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણ આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.”
સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ અને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતોનું અને તેમનાં સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” (જી.પૃ.૨૯૮, ૨૬૯)
૧૩૯