________________
અમે અમારી શોધ કરીએ છીએ
ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? એકવાર શ્રી ઝવેરચંદ શેઠને મેડે પ્રાગજીભાઈ જેઠાભાઈએ કૃપાળુદેવનો બોધ સાંભળી કહ્યું કે ભક્તિ તો ઘણીયે કરવી છે પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેનું શું કરવું? ત્યારે કૃપાળુદેવે કહ્યું : “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?’’ એમ કહી ઝવેરચંદશેઠને કૃપાળુદેવે જણાવ્યું કે તમો જે ભોજન કરતા હો, તે તેમને બે વખત આપજો ને પાણીની મટકી આપજો; અપાસરાના મેડા ઉપર બેસી એ ભક્તિ ક૨શે. પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય તે જોવું નહીં, સંસારની વાતો કરવી નહીં; કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહીં કે સાંભળવી નહીં. ત્યારે પ્રાગજીભાઈ બોલ્યા : પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ઘરે છે. પણ ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો ? જીવ આમ છેતરાય છે.
“પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ઘેરુંઘર માર્ગ મને લાગ્યો છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૩૫)
૧૦૬
શ્રી શંકરભાઈ અજુભાઈ જણાવે છે :
એક દિવસ સાહેબજી ફરવા માટે પધાર્યા. તેમની સાથે બીજા મુમુક્ષુભાઈઓ પણ હતા. સાહેબજી નીચી દૃષ્ટિએ ઘીર ગંભીર ગતિથી ચાલતા હતા. કેટલેક દૂર ગયા બાદ એક બાઈ ઘાસનો ભારો માથે લઈને સામેથી આવતી જણાઈ. તે બાઈ એમ બોલતી હતી કે આ વાણિયાઓ રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે તેમનું શું ખોવાઈ ગયું હશે કે શોધ્યા કરે છે. આ પ્રમાણે બાઈનું બોલવું સાંભળી સાહેબજીએ તેને જણાવ્યું કે બહેન, અમે અમારી શોધ કરીએ છીએ.
“જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૨)