________________
સાતસો મહાનીતિ
વિશેષ છે. મોહ વિશેષ હોય તો બીજા કોઈએ સારું પહેર્યું હોય તો તાકીને જુએ અથવા અનુકરણ કરવાની ઇચ્છા રાખે કે લાગ મળે તો હું પણ આવું પહેરું. પણ મર્યાદા તજી ઉશૃંખલ વસ્ત્ર પહેરવા યોગ્ય નથી. ૯૬. વસ્ત્રનું અભિમાન કરું નહીં.
કોઈ નવી જાતનું વસ્ત્ર પોતા પાસે હોય તેનું અભિમાન કરે કે મારા જેવું વસ્ત્ર બીજા પાસે નથી. પણ એમ કરવા યોગ્ય નથી. વસ્ત્ર તો શરીરની એબ ઢાંકવા પૂરતું છે. જેમ ગુમડાં પર કપડાનો પાટો બાંધે તે માખથી રક્ષણ કરવા માટે છે. તે ગમે તેવા કપડાનો પણ બાંધે. તેમાં અમુક જાતનું કે અમુક રંગનું જ કાપડ જોઈએ એવું કંઈ હોતું નથી. માત્ર સ્વચ્છ જોઈને બાંધે છે. તેમ પહેરવાના કપડા સંબંઘી પણ સમજવા યોગ્ય છે. ૯૭. વધારે વાળ રાખું નહીં.
વાળને શોભાનું કારણ જાણી માણસો લાંબા વાળ રાખે છે. સુગંધી તેલ નાખે અને વાંકા ગુંછળા કરે કે તેને જુદી જુદી રીતે સજાવે છે. કતરાવે ત્યારે પણ અમુક જગાએ વધારે રાખે અને અમુક જગ્યાએ ઓછા રાખે. વાળ જેવી નજીવી વસ્તુમાં વૃત્તિ રહે અને તેમાં આખો આત્મા પેસી જાય છે. કોઈને આવી ટેવ પડી જાય છે કે વારે ઘડીએ માથે હાથ મૂકી જુએ કે વાળ આઘા પાછા તો થયા નથી. પણ જ્ઞાની પુરુષો તો તેને સંસારના મૂળિયાં જાણી ખેંચીને ઉખેડી નાખે છે. મૂછો તથા દાઢીના વાળ માટે પણ તેમજ સમજવું. અમુક આકાર મૂછના ભાલોડા જેવા કે ઉપર લીંબુ રહે તેવા કરે, ક્ષત્રિય રાજાઓનું અનુકરણ કરવા જાય અને વૃત્તિ તેમાં ને તેમાં રહે છે.
વાળ કાઢી નાખે કે ઓળે પણ મુખ્ય કરવાનું એટલું છે કે વૃત્તિ તેમાંથી ઉઠાવી લેવી. જેવી વૃત્તિ ત્યાં રાખે છે તેવી આત્મામાં રાખવા યોગ્ય છે. ૯૮. ચપોચપ વસ્ત્ર સજુ નહીં.
ચપોચપ એટલે તંગ વસ્ત્ર પહેરવું. વિલાયતમાં કેડ પાતળી દેખાડવા માટે સ્ત્રીઓ કેડે તંગ પટ્ટો બાંધે. એથી શરીર બગડે, રોગ થાય પણ ફેશન સાચવવા માટે કરે. ચીની લોકો પણ પગ નાનો દેખાડવા લાકડાના ટાઈટ જોડાં પહેરે. બૈરાઓ કપડા પણ ખેંચીને પહેરે. દેખાવ કરવાની ટેવ પડેલી હોવાથી દુઃખ દેખીને પણ દેખાવ કરે છે.
પુરુષો પણ ટાપટીપ કરે, ઇસ્ત્રીવાળા કપડા પહેરે, ઘોતિયું પહેરે તો પણ ચીપી ચીપીને ઘડી. બરાબર આખો દહાડો સાચવીને રાખે. શોભા તરફ લક્ષ રહે પણ જરૂરિયાત તરફ લક્ષ રહેતું નથી. માટે ચપોચપ વસ્ત્ર સજાં નહીં એમ કહ્યું. ૯૯. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં.
મડદા પર ઓઢાડેલું વસ્ત્ર અપવિત્ર ગણાય. તેમાં શાલ વગેરે બાળતા નથી પણ તેને સ્મશાનમાં વાડ પર નાખીને આવે. તેને ભંગી લઈ જાય અને સારા પૈસા ઊપજે એવું હોય તો વેચી દે છે. તે સોંઘા મળે તો પણ તેવા અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. અથવા વર્તમાનમાં કીડાઓને મારીને બનાવવામાં આવેલા પ્યોર રેશમી જેવા અપવિત્ર વસ્ત્રો પહેરું નહીં. ખાદી હાલ પવિત્ર ગણાય છે માટે તેવા વસ્ત્રો પહેરું.
૫૩