________________
સાતસો મહાનીતિ
જિષ્ઠાથી કરવું મુશ્કેલ છે. તેમના કરેલા ઉપકારનો બદલો આપણે વાળી શકવાના નથી. તો પણ નિરંતર તેમને ધર્મ માર્ગે જોડવા પ્રયત્ન કરી તેમની સેવા કરવી. (શ્રી જૈન હિતોપદેશના આધારે)
૮૯. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં.
માતાપિતાની આજ્ઞા માનવાનો ઉપદેશ છે. પણ એ આજ્ઞાને અહીં સ્યાદ્વાદમાં મૂકી છે. આત્મહિતને હાનિકારક હોય તેવી મિથ્યા આજ્ઞા માનું નહીં. કારણ વિવેક છે ત્યાં ધર્મ છે.
શ્રી ઠાકરશીભાઈનું દૃષ્ટાંત સંવત ૧૯૫૪માં શ્રાવણમાં કૃપાનાથ કાવિઠા પધાર્યા હતા. ત્યારે તેમના દર્શને જતાં મારા પિતાશ્રી તરફથી અટકાયત થઈ હતી. તેથી ભાદરવામાં વસો ગયો ત્યારે ફરમાવ્યું કે તારા પિતાને ચોખ્ખું કહી દેવું કે કાચલી લઈને માગી ખાઈશ તે કબુલ, પણ આવી બાબતમાં (સત્સંગમાં) તમારી અટકાયત ચાલશે નહીં. તેમ છતાં ન માને તો સ્વતંત્ર રહેવું. અર્ધશતાબ્દીગ્રંથ (પૃ.૧૧૫) ૯૦. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તે.
-
જેની સાથે આખી જીંદગી રહેવાનું હોય તેના પ્રત્યે રાગદ્વેષના કારણો અનેક બને છે અને તેથી જીવ દુઃખી થાય છે. પણ એવા તુચ્છ કારણોમાં તણાઈ જઈ ક્લેશ કરવો કે મોહાંધ બની રાગ કરવો એ બન્ને દુઃખના કારણો છે. માટે જો સુખી થવું હોય તો રાગદ્વેષ ઘટાડવા. પહેલા પોતાની સ્ત્રી પ્રત્યેના રાગદ્વેષ ઓછા કરતાં શીખવું. બીજાઓ સાથે એવા પ્રસંગો ઓછા બને છે. બીજા લોકોમાં કે લોકલાજમાં મારું ખોટું દેખાશે એમ ઘારીને પણ જીવ રાગદ્વેષ ઓછા રાખે છે. માટે સ્વસ્ત્રીમાં રાગદ્વેષ ઘટાડવા અને સમભાવથી વર્તવાનો પ્રયત્ન પ્રથમ કરવો.
એક રાજાનું દૃષ્ટાંત – એક રાજા હતો. તેને પોતાની રાણી પ્રત્યે અત્યંત રાગ હતો. એક દિવસ રોગના કારણથી રાણી મરણ પામી. છતાં મોહવશ થયેલ રાજા એમ માને છે કે આ મરી ગઈ નથી, પણ મારાથી રિસાઈ છે. તેથી તેને મનાવવા માટે મથે અને તેની પાસે જ બેસી રહે, ખાતો પીતો પણ નથી. એક દિવસ મંત્રીઓએ મળી રાજાને કોઈ કામના મિશે દૂર લઈ ગયા. પછી રાણીના શબને જંગલમાં નાખી દીધું. જ્યારે રાજા આવ્યો ત્યારે કહે રાણી ક્યાં છે? મને બતાવો, નહીં તો હું નહીં જીવી શકું. તેથી મંત્રીઓએ જંગલમાં જઈ રાણીના શબને બતાવ્યું. ત્યાં પક્ષીઓએ આંખ વગેરે કાઢી નાખવાથી એનું સ્વરૂપ ભયંકર ભાસ્યું. તે જોઈ રાજા વિચારમાં પડ્યો કે અહો આવું આ શરીરનું સ્વરૂપ છે? એમ વિચારતાં વૈરાગ્ય પામી ગુરુ ભગવંત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. માટે સ્વસ્ત્રીમાં પણ મોહ ન કરતાં સમભાવથી વર્તે.
૯૧. (મહાનીતિમાં આ સ્થાને વાક્ય નથી.)
૯૨. ઉતાવળો ચાલું નહીં.
ઉતાવળમાં અયત્નાનો દોષ લાગે છે. તે ટાળી, જોઈને ચાલવું. ઉતાવળમાં ગમે તેના પર પગ મૂકાઈ જાય. સાપ હોય તો કરડે. વેગમાં ખબર ન પડે. તેમ ન ચાલવું. યત્નાથી ચાલવું. યત્નાથી એટલે કાળજીપૂર્વક જોઈને ચાલવું જેથી પોતાને અને બીજા જીવોને પણ લાભ થાય.
કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષ કૃપાળુદેવે કહ્યાં છે. એ ત્રણેય દોષ તજવા યોગ્ય છે. ત્રણેય દોષના અનુક્રમે પ્રતિપક્ષી ગુણ નિસ્પૃહતા, વિનય અને ધીરજ છે. નીચે જોઈને ચાલવાથી ત્રણ
૫૧