________________
સાતસો મહાનીતિ
પોણાશેર આપે. આ સંકેતની વાત લોકોમાં જાહેર થવાથી લોકોએ હેલાકશ્રેષ્ઠીનું નામ વંચશ્રેષ્ઠી એવું પાડ્યું.
એક વખતે થર્મજ્ઞ પુત્રવધૂએ પોતાના સ્વામીને પૂછ્યું કે, “તમારા પિતા તમને આ બીજા નામથી કેમ બોલાવે છે?” શ્રેષ્ઠીપુત્રે તેના ઉત્તરમાં વ્યાપાર સંબંધી સર્વ હકીકત પોતાની સ્ત્રીને નિવેદન કરી. તે સાંભળી ઘર્માર્થી વઘૂએ પોતાના સ્વસુર હલાકશ્રેષ્ઠીને વિજ્ઞપ્તિ કરી કે, “હે તાત! આવા પાપવ્યાપારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઘર્મકાર્યમાં અને શારીરિક ઉપભોગમાં વપરાશે નહીં, તેમજ તે ઘરમાં પણ રહેશે નહીં, તેથી ન્યાયમાર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું ઉત્તમ છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે, “જો સાચા વ્યવહારથી ચાલીએ તો ઘરનો નિર્વાહ કેમ ચાલે? વઘૂએ કહ્યું કે, “ન્યાયથી મેળવેલું ઘન અલ્પ હોય તો પણ તે વ્યવહારશુદ્ધ હોવાથી તેના વડે બીજાં ઘણું મળે અને તે ઘરમાં પણ રહે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ, ઘણાં ફળવાળું હોઈ નિઃશંકપણે ભોગાદિકની પ્રાપ્તિને માટે થાય. કહ્યું છે કે, કૂટ માપ તોલ વિગેરેથી જે ઘન ઉપાર્જન કરાય છે તે તપાવેલા પાત્ર પરના જળબિંદુની જેમ નાશ પામતું જોવામાં આવે નહીં, પરંતુ નાશ પામે જ છે. વળી અન્યાયવડે મેળવેલું દ્રવ્ય અશુદ્ધ, તેનાથી લાવેલું અન્નાદિ અશુદ્ધ, તે અન્નનો આહાર અશુદ્ધ, તે વડે શરીર અશુદ્ધ અને તેના શરીર વડે કરેલું કૃત્ય પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સફળ થતું નથી. જો આ વિષે પ્રતીતિ ન આવતી હોય તો છ માસ સુધી કૂટ વેપારની વૃત્તિ છોડી ન્યાયવૃત્તિથી વ્યાપાર કરો, એટલે ખબર પડશે.” વધૂનાં આવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કર્યું, તો છ માસમાં તેણે પાંચ શેર સુવર્ણ ઉપાર્જન કર્યું.
સત્ય વ્યવહારથી લોકો પાછો તેનો જ વિશ્વાસ કરીને તેને ત્યાંથી જ લેવા દેવા લાગ્યા અને સર્વત્ર તેની કીર્તિ પ્રસાર પામી. શેઠે તે સુવર્ણ લાવી વધૂને અર્પણ કર્યું. વઘૂએ ન્યાયોપાર્જિત દ્રવ્યની પરીક્ષા કરવાને માટે તે સુવર્ણની એક પાંચશેરી કરાવી. પછી તેની ઉપર ચામડું મઢાવી પોતાના સસરાના નામની મહોર કરી બે ત્રણ દિવસ ચૌટામાં રખડતી મૂકી, પણ કોઈએ તે લીધી નહીં. એક દિવસ તેને ઉપાડીને એક વ્યક્તિએ જળાશયમાં નાખી દીધી. ત્યાં એક મત્સ્ય તેને ગળી ગયો. તે મત્સ્ય ભારે થઈ જવાથી કોઈ ઢીમરની જાળમાં આવ્યો. તેને ચીરતાં પાંચશેરી નીકળી. તેને અમુક તોલું જાણી માછી એજ શ્રેષ્ઠીને દુકાને વેચવા લાવ્યો. શ્રેષ્ઠીએ તેના પર પોતાનું નામ હોવાથી થોડું દ્રવ્ય આપી તેની પાસેથી વેચાતી લીધી. પછી તેના પરથી ચામડું કાઢીને જોતાં પોતાના સોનાની પાંચશેરી જાણી તેને વધૂનાં વચન ઉપર ઘણી પ્રતીતિ આવી. પછી શુદ્ધ વ્યવહાર વડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું અને સાતે ક્ષેત્રમાં અનેક પ્રકારે વાપર્યું. અનુક્રમે તેનો યશ ઘણી પ્રૌઢતાને પ્રાપ્ત થયો. ત્યારપછી સર્વ લોકો તે હલાક શેઠના દ્રવ્યને શુદ્ધ માની વ્યાપાર માટે તેનું જ દ્રવ્ય લેવા લાગ્યા. વહાણોમાં પણ નિર્વિદનતાને માટે તેનું દ્રવ્ય લઈને જ મુસાફરી કરવા લાગ્યા. આથી તેના દ્રવ્યની ઘણી વૃદ્ધિ થઈ અને તેનું નામ મંગલિક ગણાવા લાગ્યું. અદ્યપિ વહાણ ચલાવતી વખતે ખલાસી લોકો હેલાસા, હેલાસા એમ કહે છે. એ પ્રમાણે તે હેલાક શેઠનું પવિત્ર નામ અદ્યપિ જગતપ્રસિદ્ધ છે. (પૃ.૬૮)
હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – “વસ્તુનું મૂલ્ય કદી બહુ જ વધી ગયું હોય તો પણ શ્રાવકે ત્રણગણાથી વધારે કિંમત લેવી નહીં. અને વેચી નાખેલા કરિયાણાના વખાણ કરવા નહીં કે ઓછે વેચી નાખ્યાનો પશ્ચાત્તાપ કરવો નહીં. તોલા માપાં કમી કે જાસ્તી રાખવા નહીં. ત્રાજવાના પાસંગ બે બાજાના નીચા ઊંચા રાખવા નહીં. હલકા ભારે રાખવા નહીં, ડાંડી મરડીને તોલમાં ફરક પાડી દેવો નહીં.
૪૮૭