________________
સાતસો મહાનીતિ
કરવા લાગ્યો. એકદા શ્રી પ્રભુ પાસે ધૂપ કરીને તેણે અભિગ્રહ કર્યો કે – “આ ધૂપ જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે નિશ્ચલ બેસી રહેવું, ખસવું નહીં.’’ દૈવયોગે ત્યાં એક સર્પ નીકળ્યો તથાપિ શ્રીઘર નિશ્ચલ જ રહ્યો; એટલે સર્પ તેની પાસે આવી ડસવા જાય છે, તેટલામાં તે શ્રીધરના સત્ત્વથી તુષ્ટમાન થયેલી દેવીએ તે દુષ્ટ સર્પને દૂર કરીને તેના મસ્તકનો મણિ લઈ શ્રીધરને આપ્યો. તે મણિના પ્રભાવથી શ્રીધરના ઘરમાં વૃષ્ટિથી લતાની જેમ લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. એકદા તેના કુટુંબમાં કોઈ પ્રકારનો વ્યાધિ આવવાથી કોઈએ તેને કહ્યું કે – “ગોત્રદેવીની પૂજા કરવાથી ગોત્રમાં કુશળતા રહે છે.’” તે સાંભળીને ભદ્રિક શ્રીધરે ગોત્રદેવીની પૂજા કરી. દૈવયોગે વ્યાધિ નિવૃત્ત થયો. અન્યદા પોતાને કાંઈ વ્યાધિ ઉત્પન્ન થયો, ત્યારે કોઈના કહેવાથી તેણે યક્ષની પૂજા કરી. એ પ્રમાણે લોકોના કહેવાથી શાંતિના લાભને માટે તેમજ ભાવીરોગની નિવૃત્તિ માટે તે હમેશાં અન્ય અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. ‘ભાવિકજનો સત્સંગથી ગુણ અને અસત્સંગથી દોષને પામે છે.’ કહ્યું છે કે – તુંબડા તો બધાએ એકજ જાતિના હોય છે; પરંતુ તેમાં કેટલાએક તુંબડા કે જેઓ યતિ–મુનિના હાથમાં આવે છે તે પાત્રની શોભાને પામે છે, કેટલાક (ગવૈયા પાસે જવાથી) શુદ્ધ વાંસની સાથે જોડાઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાએક સારા દોરડાથી ગુંથાઈને દુસ્તર એવા સમુદ્રથી મનુષ્યોને તારે છે અને તેમાંનાજ કેટલાએક તુંબડા (કાપાલીકના હાથમાં જવાથી) જ્વલિત (દુષ્ટ) છે હૃદય-મધ્યભાગ જેનો એવા થઈને લોહીનું પાન કરે છે, અર્થાત્ તે કાર્યમાં કામે લાગે છે.’’
એકદા તે શ્રીધરના ઘરમાં પ્રવેશ કરીને ચોરલોકોએ તેનું સર્વ ઘન ચોરી લીધું; તેથી તે શ્રીધર અત્યંત ખેદ પામવા લાગ્યો, અનુક્રમે તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કાંઈપણ વસ્તુ ન રહી અને ભોજનનો પણ સંદેહ થઈ પડ્યો. છેવટે અત્યંત દુઃખી થવાથી તેણે અઠ્ઠમ કરીને સર્વ દેવની આરાધના કરી. ત્રીજે દિવસે દેવતાઓ બોલ્યા કે “અરે ! તેં શા માટે અમારું સ્મરણ કર્યું?’’ શ્રીધર બોલ્યો કે –“મને સમૃદ્ધિ આપો.’’ ત્યારે તેઓ બોલ્યા કે –‘તારી કુળદેવી પાસે જા, તે આપશે.'' એટલે શ્રીઘર કુળદેવી પાસે જઈ અઠ્ઠમ કરીને બેઠો. ત્રીજે દિવસે તે પણ સમૃદ્ધિ માગવાથી બોલી કે – “હે દુષ્ટ ! મારી પાસેથી જલદી ઊભો થા, તું તારા ઘર આગળ જે દેવીની પૂજા કરે છે તે તને આપશે, તેમની પાસે જા.” તે સાંભળીને શ્રીધરે ગૃહદેવીની આરાધના કરી. ત્યારે અંદર અંદર હસીને તેઓ બોલવા લાગ્યા. ગણપતિએ ચંડિકાદેવીને કહ્યું કે “હે ચંડિકા ! તારા ભક્તને મનવાંછિત આપ.” ચંડિકા બોલી “તેને તો પેલો યક્ષ મનવાંછિત આપશે, કેમકે જુઓને તેને તેણે ઊંચા આસન પર બેસાડ્યો છે અને વળી મારા પહેલાં તે હમેશાં તે યક્ષની જ પૂજા કરે છે.’’ ત્યારે યક્ષ બોલ્યો કે “એનું મનવાંછિત શાસનદેવતા આપશે.’’ આ પ્રમાણે સર્વ દેવોએ તેનું હાસ્ય કરીને ઉપેક્ષા કરી. ત્યારે તે શાસનદેવીની આરાધના કરવા લાગ્યો. શાસનદેવી બોલી કે – “હે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી, હવે વિકથા અને હાસ્યમાં તત્પર એવા કુદેવોને મૂકીને જે દેવોના પણ દેવ છે, જેનાં આઠે કર્મો ક્ષીણ થયાં છે અને જે કૃપાના જ અવતાર છે, એવા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની અર્ચા કર કે જેથી બન્ને ભવમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય.’ તે સાંભળી શ્રીધરે તે પ્રમાણે કરવા માંડ્યું. પછી તેને આકાંક્ષારહિત દૃઢ નિશ્ચયવાળો જાણીને શાસનદેવીએ ફરીથી મણિ આપ્યો; તેથી પાછો સમૃદ્ધિવાન થયો અને પરભવમાં આસન્નસિદ્ધ થયો, અર્થાત્ થોડા કાળમાં સિદ્ધિપદને પામ્યો. “હે ભવ્ય જીવો! શાસ્ત્રનિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર મનુષ્ય શ્રીધરની જેમ હાસ્યનું પાત્ર થાય છે, માટે જિનશાસનને જાણનારાએ એ દોષ સેવવો નહીં.’’ (પૃ.૭૦)
૪૫૬