________________
સાતસો મહાનીતિ
ઘર્મ હોય તેવા ઘર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાલિભદ્ર હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન્! કેવા કર્મથી રાજા મારા સ્વામી ન થાય? 'મુનિ બોલ્યા – “જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બઘા જગતના પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, “જો એમ છે તો તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે“ઘર્મકાર્યમાં પ્રમાદ ન કરવો.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા! આજે શ્રી ઘર્મઘોષસૂરિના મુખકમળથી મેં ઘર્મ સાંભળ્યો છે કે, જે ઘર્મ આ સંસારના સર્વ દુઃખથી મુકાવાના ઉપાયરૂપ છે.” ભદ્રા બોલી કે – “વત્સ! તેં ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ઘર્મી પિતાનો જ પુત્ર છું.’ આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્રે કહ્યું – “કે માતા! જો એમ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપો; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું એવા પિતાનો પુત્ર છું.” ભદ્રા બોલી : વત્સ! તારો વ્રત લેવાનો ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તે પ્રકૃતિમાં સુકોમળ છું અને દિવ્ય ભોગોથી લાલિત થયેલો છું, તેથી મોટા રથને નાના વાછરડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બોલ્યો – “હે માતા! ભોગલાલિત થયેલા જે પુરુષો વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.” ભદ્રા બોલી – “હે વત્સ! જો તારો એવો જ વિચાર હોય તો ઘીમે ઘીમે-થોડે થોડે ભોગનો ત્યાગ કરી મનુષ્યની મલીન ગંઘને સહન કર કે જેથી તેનો અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે. શાલિભદ્ર તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને સમજાવી એક એક શય્યાને તજવા લાગ્યો. (પૃ.૧૫૯) ૪૩૯. નિવૃત્તિ સાઘન એ વિના સઘળું ત્યાગું છું.
આત્માને સંસારના દુઃખોથી નિવૃત્ત થવાના સાઘન સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ત્યાગ, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, સમાધિ આદિ છે તેને ગ્રહણ કરું તથા પ્રવૃત્તિના સાધન આરંભ, પરિગ્રહ, ઘન, કુટુંબાદિ છે, તે સર્વનો ત્યાગ કરું.
“શ્રીમદ રાજચંદ્ર'માંથી - સંયમ અર્થે નિવૃત્તિ કર્તવ્ય
મૃગાપુત્રનું દ્રષ્ટાંત – “નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયવંદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિઘ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ઘામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જાએ છે.
૩૩૫