________________
સાતસો મહાનીતિ
મખમલ જેવા ઇન્દ્રગોપ=ગોકળગાય તે મનુષ્યભવ પામી ભરતના પુત્રો થઈ ઋષભદેવ પાસે દીક્ષા લીધી અને ઘરમાં હતા ત્યારે પણ મનુષ્યભવમાં એટલો વૈરાગ્ય હતો કે બોલે નહીં. ત્યારે ભારતે ઋષભદેવને પૂછ્યું કે આ છોકરાઓ કેમ બોલતા નથી? ઋષભદેવે કહ્યું કે એ બધા આ ભવે મોક્ષે જવાના છે. મોક્ષગામી જીવ નવા કર્મ શું કરવા બાંઘે? ભગવાનની દર્શન
સ્તુતિ કરવા જનાર એવા સત્પરુષ ભરતરાજાના હાથીના પગ નીચે આ જીવો દબાઈ જવાથી સીધા મનુષ્યભવ પામી મોક્ષે ગયા. માટે સાંસારિક રાગ વધે એવી સ્તુતિ કરું નહીં. પણ જેથી અંતે રાગનો નાશ થાય એવા પ્રભુની સ્તુતિ કરું. ૨૮. ચિંતવન કરું નહીં.
ચિંતવનથી એકાગ્રતા થાય છે; તેથી આત્મા બળવાન થાય છે. પણ તે બળને મોહાથીન જીવો મોહ વધારવામાં વાપરે છે. સ્ત્રી આદિનું ચિંતવન આર્ત - રૌદ્રધ્યાન થવાનું કારણ છે. તે પ્રત્યે મોહની કલ્પનાઓ કરી કરીને જીવ કર્મ બાંધે છે. માટે તેવું ચિંતવન કરું નહીં. ચિત્ર અને સંભૂતિનું દ્રષ્ટાંત - ચિત્ર અને સંભૂતિ બેય ચંડાળના પુત્રો હતા. મુનિ ભગવંતના
ઉપદેશથી વૈરાગ્ય પામી બન્નેએ દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતાં હસ્તિનાપુર આવ્યા. સનસ્કુમાર ચક્રવર્તીની પટરાણી તેમના દર્શન કરવા આવી ત્યારે વંદન કરતાં રાણીનો ચોટલો સંભૂતિમુનિને પગે અડી ગયો. તેથી મુનિ ચિંતવવા લાગ્યા કે જો મારા તપનું ફળ હોય તો આવું સ્ત્રીરત્ન મને પ્રાપ્ત થાઓ એવું નિયાણું કર્યું. પુણ્યરૂપી ઘડો ઢોળી નાખી પાપનો ઘડો ભર્યો. ચિત્રમુનિએ સંભૂતિમુનિને સમજાવ્યા છતાં માન્યું નહીં. અહિંથી દેહ
છોડી દેવલોકે ગયાં. પછી સંભૂતિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી સાતમી નરકે ગયો. સાતમી નરકે તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું સાતસો વર્ષનું પાંચ ઇન્દ્રિયનું સુખ શું ભાવ પડ્યું? તો કે એક શ્વાસોશ્વાસના બદલામાં ૧૧લાખ ૫૮ હજાર પલ્યોપમનું લગભગ દુઃખ ભોગવવાનું આવ્યું, તે પણ સાતમી નરકનું. ૨૯. શૃંગાર વાંચુ નહીં.
શૃંગારરસના વર્ણનવાળા પુસ્તકો વાંચુ નહીં. કેમકે તે મોહને પોષે છે. થોડી કલ્પનાને પણ વઘારી દે છે. રાજા મહારાજાઓને પણ ન મળે એવી કાલ્પનિક વસ્તુઓનું વર્ણન એમાં હોય છે. આ બધી વસ્તુઓનું નિષેઘ કરવાનું કારણ કે આમાં પડી જાય તો આત્મહિત એને સૂઝે નહીં અને વખતે આત્મહિત કરતો હોય તો ચૂકી પણ જાય; અનાદિનો જીવને અભ્યાસ છે તેથી તેમાં ચિત્ત રમ્યા કરે. ૩૦. વિશેષ પ્રસાદ લઉં નહીં.
જરૂર કરતાં વઘારે આહાર લઉં નહીં. નવ વાડમાં સાદો આહાર પણ વિશેષ ન લેવો એમ કહ્યું છે. વિશેષ આહાર બ્રહ્મચર્યને બાધક છે અને ઊંઘને પ્રેરક છે. મિતાહાર એટલે માપસર જોઈએ એટલો જ આહાર લેવો. “મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો.” (પુષ્પમાળા-૫૮)
૧૭