________________
સાતસો મહાનીતિ
હાથી ઉપર બેસીને ભગવાન પાસે જતાં રસ્તામાં આ મહામુનિને જોઈ નીચે ઊતર્યા અને વાંદીને પછી ભગવાન પાસે ગયા. ત્યારે પ્રસન્નચંદ્રમુનિના અંતરમાં ભયંકર યુદ્ધ ચાલી
રહ્યું છે. મનમાં લડતાં લડતાં બધા શસ્ત્રો ખલાસ થવાથી માથાનો મુકુટ લેવા ગયા ત્યાં માથું તો મુંડન થયેલું જાણ્યું. ત્યાં વિચારધારા પલટાવા લાગી. ત્યાં શ્રેણિક મહારાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ! પ્રસન્નચંદ્ર મુનિને મેં વાંદ્યા તે વખતે તે કાળઘર્મ પામે તો ક્યાં જાય? ભગવાને કહ્યું કે સાતમી નરકે. એમ થોડી થોડી વારે પૂછતાં ભગવાને કહ્યું: છઠ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી. પછી અનુક્રમે પહેલાં દેવલોક બીજો વગેરે પામે અને થોડીવારમાં તો તેમને કેવળજ્ઞાન થવાથી દેવદુંદુભી વાગી. ત્યારે શ્રેણિકરાજાએ પૂછ્યું કે દેવદુંદુભી કેમ વાગી? ભગવાને કહ્યું: પ્રસન્નચંદ્ર મુનિને કેવળજ્ઞાન ઊપજ્યું છે.
તેમ આપણા પણ કોઈ અપવાદ બોલે કે નિંદા કરે તો પણ મનમાં ખેદ કરું નહીં. ખેદ થાય તો મારા જ આ ભવના કે પરભવના કરેલ કર્મનું આ ફળ છે એમ વિચારી ખેદને દૂર કરવા પ્રયત્ન કરું. (પૃ.૪૧) ૪૦૮. ઘર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (ગૃ૦)
દેવ દ્રવ્યનો પોતા માટે ઉપયોગ કરું નહીં. નહિં તો ભવોભવ પરિભ્રમણ કરવું પડશે.
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - “અક્ષત વિગેરે દેવદ્રવ્યને ભક્ષણ કરનારા દુઃખ પામે છે, તેથી વિવેકી પુરુષોએ દેવદ્રવ્યનું યત્નથી રક્ષણ કરવું.” આનો સ્પષ્ટાર્થ દ્રષ્ટાંતથી જાણવો.
મંદિરમાંથી દેવતાઈ ચોખા લાવી રાંઘવાથી બનેલ અશુદ્ધ આહાર
શુભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત – કાંચનપુર નામના નગરમાં શુભંકર નામે ઘનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તે નિત્ય જિનપૂજા અને ગુરુવંદના કરતો હતો. એક વખતે તે જિનમૂર્તિ આગળ નમીને ઊભો હતો. તે સમયે કોઈ દેવતાએ ભગવંતની આગળ દિવ્ય અક્ષતના ત્રણ ઢગલા પૂર્વે કરી રાખેલા તે તેના જોવામાં આવ્યા. તે રાંધ્યા વગરના છતાં અત્યંત સુગંધ આપતા હતા. તે જોઈને જીભના સ્વાદને વશ થયેલા શુભંકર શેઠે પોતાને ઘરેથી તેનાથી ત્રણ ગણા બીજા ચોખા મંગાવીને ત્યાં મૂક્યા અને તે દિવ્ય ચોખા પોતાને ઘેર લઈ જઈ તેની ખીર કરાવી. તે વખતે સુગંઘ સર્વત્ર પ્રસરી રહી.
તેવામાં કોઈ માસક્ષમણના પારણા માટે મુનિ પધાર્યા તેમને તે ક્ષીર વહોરાવી. તે ક્ષીરનું પાત્ર ઝોળીમાં મૂકવાથી મુનિના પરિણામમાં વિકૃતિ આવી ગઈ, અને વિચારવા લાગ્યા કે આ શ્રેષ્ઠીને ઘન્ય છે કે આવું મનોહર ભોજન નિત્ય ખાય છે. આવું દુર્ગાન કરતા ગુરુ પાસે આવ્યા. હવે ગુરુને બતાવીશ તો બધું ખાઈ જશે, એમ વિચારી ગુરુને બતાવ્યા વગર જ મુનિ સત્વર ભોજન કરવા બેઠા. આનો સ્વાદ દેવતાને પણ દુર્લભ છે એમ ચિંતવતા સતા તે આહાર જમીને સુખે સૂઈ ગયા. આવશ્યક ક્રિયાના સમયે પણ ઊઠ્યા નહીં.
પ્રાતઃકાળે શુભંકર શ્રાવક ગુરુને વાંદવા આવ્યો. ત્યાં તે મુનિને સૂતેલા જોઈને કારણ પૂછ્યું એટલે સૂરિ બોલ્યા, કાલે આ મુનિ આહાર કરીને સૂતા છે તે ઊઠાડ્યા પણ ઊઠ્યા નથી. શેઠ બોલ્યા મારા ઘેરથી જ આહાર લઈને આવ્યા છે. ત્યારે ગુરુએ કહ્યુંઃ આહાર શુદ્ધ હતો કે અશુદ્ધ? શ્રાવક કહે અશુદ્ધ આહાર મારા જાણવામાં આવ્યો નથી. પણ મંદિરમાંથી ચોખા લાવ્યા હતા અને પાછા ત્રણ ગણા તેના બદલામાં મૂકી દીધા છે. ત્યારે ગુરુએ કહ્યું કે એજ કારણ છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અનંત સંસાર વધે છે. તેના વિષે એક દ્રષ્ટાંત છે તે સાંભળ –
૨૯૬