________________
સાતસો મહાનીતિ
ઘર્મામૃત'માંથી :- હવે સંસાર સુખ ચાહું નહીં
વારિષણનું દ્રષ્ટાંત – મગધ દેશમાં રાજગૃહી નગરીને વિષે રાજા શ્રેણિક અને તેની રાણી ચેલણાનો પુત્ર વારિષણ ઉત્તમ શ્રાવક હતો. તે એકદા ઉપવાસ કરીને તે રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગમાં ઊભો હતો. તે દિવસે મગઘસુંદરી નામની વેશ્યાએ ઉદ્યાનમાં શ્રી કીર્તિ શ્રેષ્ઠીની પત્નીને દિવ્ય હાર પહેરેલી જોવાથી તેને તે હાર મેળવવાની તીવ્ર ઇચ્છા થઈ. તેથી રાત્રે તેની પાસે આવેલ આસક્ત એવા વિદ્યુત ચોરને પોતાના ઉદ્વેગનું કારણ કહ્યું; અને એમ કહ્યું કે જો તે હાર મળે તો જ તે જીવી શકશે અને તેને સ્વામી માનશે. આ સાંભળીને તે ચોર હાર લેવા નીકળ્યો અને પોતાના કૌશલ્યથી હારની ચોરી કરીને જતો હતો, ત્યાં હારના પ્રકાશથી ‘આ ચોર છે એમ જાણીને ગૃહરક્ષકો તથા કોટવાલ વગેરે તેની પાછળ પડ્યા; તેથી દોડતો દોડતો સ્મશાનમાં આવી પહોંચ્યો. પકડાઈ જવાના ભયથી તેણે તે હારને વારિષણના ગળામાં નાખી દીધો; ને પોતે જરા દૂર જઈને સંતાઈ ગયો. હવે કોટવાલ વગેરે ત્યાં આવ્યા અને વારિષેણ પાસે હાર જોઈને તેને જ ચોર માનીને શ્રેણિકને કહ્યું કે વારિષેણે ચોરી કરી છે. શ્રેણિકે તે સાંભળી આજ્ઞા કરી કે તે મૂર્ખ શઠનું માથું ઉડાવી દો! જ્યારે મારાએ તે પ્રમાણે શિરચ્છેદ કરવા તલવાર મારી કે તત્કાળ તે પુષ્પમાળા થઈને વારિષણના ગળામાં પડી. વારિષણના નિર્દોષપણાનો આવો અતિશય સાંભળીને શ્રેણિક ત્યાં આવ્યા ને વારિષણની માફી માંગી; ત્યાં વિદ્યુત ચોરે પણ અભયદાન મળવાથી હકીકત નિવેદન કરી; ત્યારે શ્રેણિકે વારિષણને ઘેર આવવા કહ્યું. પરંતુ વારિષેણે જણાવ્યું કે હવે સંસારસુખથી સર્યું! હવે તો દીક્ષા લઈ પાણિપાત્રથી આહાર કરીશ. એમ કહી તેણે સૂતસેનમુનિ પાસે દીક્ષા લીધી. (પૃ.૯૪)
“શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષચરિત્ર પર્વ ૯'માંથી - ક્ષણિક એવા સંસારસુખને ચાહું નહીં
અરવિંદરાજાનું દ્રષ્ટાંત – પોતનપુરનો રાજા અરવિંદ શરદઋતુમાં પોતાના અંતઃપુરની સ્ત્રીઓ સાથે હવેલી ઉપર ક્રીડા કરતો હતો. તે વખતે ક્રીડા કરતા રાજાને આકાશમાં ઇન્દ્રઘનુષ અને વીજળીને ઘારણ કરતા તથા ઘણા શોભતા એવા નવિન મેઘને ચઢેલો જોયો. તે વખતે “અહો! આ મેઘ કેવો રમણીય છે” એમ રાજા બોલવા લાગ્યો. તેવામાં તો મોટા પવનથી તે મેઘ આકડાના ફૂલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયો. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહો! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘની જેમ જ નાશવંત છે, તો તેમાં વિવેકીજન શી આશા રાખે? એવા સંસારસુખને હું ચાહું નહીં. આ પ્રમાણે તીવ્રપણે શુભધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષયોપશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેન્દ્ર નામના પુત્રને પોતાના રાજ્ય પર સ્થાપન કરી તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરુની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ઘારણ કરી તે અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજ્જડમાં કે વસ્તીમાં, ગામમાં કે શહેરમાં, કોઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી. (પૃ.૩૯૨)
“શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા-૨’ના આઘારે – સંસારદર્શન (મઘુબિન્દુ)
એક મુસાફરનું દ્રષ્ટાંત - કોઈ મુસાફર કાફલાથી છૂટો પડી જંગલમાં પેઠો. ત્યાં યમરાજ જેવો હાથી તેની સામે દોડ્યો. તેથી ભય પામી કૂવા ઉપર રહેલી વડની વડવાઈને પકડી તે લટકી ગયો. ત્યારે હાથીએ આખું ઝાડ ઉખેડવા માંડ્યું. વડવાઈ ઉપર લટકેલા માણસે નીચે જોયું તો કૂવાની અંદર ચાર મોટા
૨૮૯