________________
સાતસો મહાનીતિ
પણ ઘર્મધ્યાન કર્યા કરે. તેથી માતાએ પિતાને કહ્યું, એને વ્યસનીઓ સાથે સંગ કરાવો તો એ ઠેકાણે આવશે. શેઠે કહ્યું પુત્ર હાથમાંથી જશે. છતાં શેઠાણીના હઠથી વ્યસની
છોકરાઓ સાથે મિત્રતા કરાવી. તેથી ઘીમે ઘીમે તે વેશ્યાને ત્યાં જવા લાગ્યો. પછી વેશ્યાને ત્યાં જ રહેવા લાગ્યો. એ જે પૈસા મંગાવે તે મોકલવા લાગ્યા. પિતા બિમાર થયા તો ય આવ્યો નહીં. મરી ગયા તોય આવ્યો નહીં. પછી માતા પણ મરી ગઈ. પૈસો બધો પૂરો થવાથી છેલ્લે પોતાની સ્ત્રીના ગળે પહેરેલ મંગળસૂત્ર વેશ્યાની અક્કા પાસે આવ્યું. તેથી હવે તેને સાવ નિર્ધન થયેલો જાણી ખૂબ દારૂ પીવડાવી, મૂર્શિત અવસ્થામાં જંગલમાં મૂકાવી દીધો. પછી પરદેશ ગયો ત્યાં ઘણી કન્યાઓ પરણ્યો. પાછો પોતાના નગરે આવ્યો રાજાએ નગરશેઠની પદવી આપી. અંતે પુણ્યબળે ફરીથી ઘર્મધ્યાન કરી દીક્ષા લઈ સ્વર્ગે ગયો. કુસંગથી કેવી ભયંકર સ્થિતિ થાય છે તે જાણી માતાપિતાએ બાળકોની પૂરી સંભાળ રાખવી.
અનંતમતિનું દ્રષ્ટાંત – કુમારી કન્યામાં લુબ્ધ. ચંપાનગરીમાં પ્રિયદત્ત શેઠ તથા શેઠાણી અંગવતીએ એકવાર આચાર્ય ભગવંત પાસે આઠ દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેતાં પુત્રી અનંતમતિને પણ હાથ જોડવા કહ્યું. તેણે મનથી આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. એક દિવસ બગીચામાં સખીઓ સાથે તે હીંચકા ઉપર બેઠી હતી. તેને જોઈ વિદ્યાઘર મોહ પામ્યો. તેથી તેને ઊંચકી પોતાના વિમાનમાં બેસાડી લઈ જતાં સામેથી પોતાની સ્ત્રીને આવતાં જોઈ અનંતમતિને જંગલમાં મૂકી દીધી. ત્યાં ભીલરાજ તેના ઉપર બળાત્કાર કરતાં તેના શીલના પ્રભાવે વનદેવતા ભીલને મારવા માંડ્યો. તેથી ભીલે તેને એક વ્યાપારીને આપી. તેણે પણ પોતાની સ્ત્રી કરવા પ્રયત્ન કરતાં, નહીં માનવાથી વેશ્યાને આપી. વેશ્યા બનવાનું ના પાડતા તેણીએ રાજાને આપી. રાજા બળાત્કાર કરવા જતાં નગરદેવતાએ રાજાને ઉપસર્ગ કર્યો, તેથી ભય પામી તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં કમલશ્રી સાઘવીએ જોઈ તેને પોતાની પાસે રાખી. માતાપિતા અયોધ્યાની યાત્રાએ આવતાં અનંતમતિનું ફરીથી મિલન થયું. આવા કષ્ટો વેઠીને પણ પોતાના શીલની રક્ષા કરી. જે કુમારી કન્યામાં મોહ કરે તેને પાપના દંડ ભોગવવા પડે; માટે તેવા પાપ કરવા નહીં.
કપિલનું દ્રષ્ટાંત - વિઘવામાં લુબ્ધ. કપિલ વિદ્યા પ્રાપ્ત કરવા જતાં વિધવા સ્ત્રીમાં મોહ પામ્યો. તેથી તૃષ્ણાના પુરમાં ગળકા ખાવા લાગ્યો. જ્યારે વિચાર કરી પાછો ફર્યો તો તૃષ્ણાનું શમન થયું અને કેવળજ્ઞાન પામ્યો. આવા મોહના ફંદમાં ફસાવાથી વ્યવહારમાં તે નિંદાને પાત્ર થાય છે તથા પરભવમાં દુર્ગતિએ જાય છે. માટે આવા નિમિત્તોથી સદા દૂર રહેવું યોગ્ય છે. મોક્ષમાળા પાઠ ૪૬, ૪૭, ૪૮માં આ કથા છે. ૨૨. મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં.
મન -મનથી આ રૌદ્ર ધ્યાન થયા કરે છે. તે સહજ થઈ ગયું છે. જીવ ટેવાઈ ગયો છે. એને માટે પુરુષાર્થ કરવો પડતો નથી. વગર વિચારે જ એટલે અવિચારે એમ થયા કરે છે. જેમ નીક ન બાંધી હોય તો જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ચાલ્યું જાય છે, તેમ મનનો ઢાળ નીચો છે; તેને ઉચ્ચ વિચાર કરીને નીકની જેમ મર્યાદા બાંધી વશમાં રાખવા યોગ્ય છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષ કરનાર તો મન છે. તેને જીતવું હોય તો “તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં.” –શ્રીમદ્ રાજચંદ્ર
૧૨