________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
આ ગ્રંથ, શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ‘સાતસો મહાનીતિ'નું વિવેચન છે. આ સાતસો મહાનીતિમાંની ૨૦૩ મહાનીતિ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ કોઈને સમજાવવા વિવેચન કર્યું હોય અને તે મુમુક્ષુએ તેની નોંઘ કરી હોય એમ જણાય છે. કારણ કે મહાનીતિના ૧૪૦મા વાક્યના વિવેચનમાં એવી વાત આવે છે કે મને (પૂ.શ્રી બ્રહ્મચારીજીને) પૂ.શ્રી મોહનલાલજી મહારાજે જ્યારે હું સૌ પ્રથમ પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં રહ્યો ત્યારે કહેલું કે પ.પૂ.પ્રભુશ્રીજીનું સેવાકાર્ય બહુ લક્ષપૂર્વક કરવું, યાદ રાખવું, સામાન્ય ન કરી નાખવું; એ વાક્યના આધારે એમ લાગે છે કે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ૨૦૩ મહાનીતિ સુધી કોઈને સમજાવેલ છે. આપણને ૨૦૩ વાક્યોનું જ વિવેચન હાથ લાગ્યું છે, તે વિવેચનને છપાવવા યોગ્ય બનાવવા તેમાં સુધારા વધારા કરી તૈયાર કર્યું છે.
અગાસ આશ્રમના સભામંડપમાં ૨૦૩ વાક્ય સુધીનું વિવેચન વાંચતા લાગ્યું કે બધાનું વિવેચન થાય તો સારું, પણ પૂજ્યશ્રીના જેવું વિવેચન તો કોણ કરી શકે. તેથી વિચારતાં જણાયું કે મહાનીતિ વાક્ય ૨૦૪થી ૭૦૦ સુધી તે તે વાક્યોને અનુસરતો બોથ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, ઉપદેશામૃત, બોઘામૃત તથા બીજા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં હોય ત્યાંથી લેવો. અને તે તે વાક્યોનો ભાવ સમજવામાં સરળતા રહે તેવાં દૃષ્ટાંતો પણ આમાં ઉમેરવાં. કારણ કે પરમકૃપાળુદેવ દ્વારા રચિત આ સાતસો મહાનીતિની એક એક લીટી તે તો સૂત્ર સમાન છે. એમાં ઘણું રહસ્ય ભરેલું છે.
“સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
એનો વાસ્તવિક અર્થ તો જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. માટે એમના જ વચનોથી યથાશક્તિ એ માનીતિઓનો ભાવાર્થ સમજવા અહીં પ્રયત્ન કરેલ છે. જેથી કિંચિત્ તેમનો અંતર આશય આપણને હૃદયગત થાય.
અગાસ આશ્રમના સભામંડપમાં આનું વિવેચન પૂરું થયું ત્યારે મુમુક્ષુ ભાઈબહેનોએ જણાવ્યું કે આ મહાનીતિઓ વાંચી જઈએ છીએ પણ ઘણા વાક્યોનો ભાવ સમજાતો નથી. માટે જો આ છપાવવામાં આવે તો ઘણા મુમુક્ષુઓને મદદરૂપ થાય. તેથી છપાવવાનો વિચાર કરી આ કાર્ય પૂર્ણ કર્યું છે.
સાતસો મહાનીતિ વાક્યોનો ભાવ વધારે સ્પષ્ટ કરવા લગભગ ૮૫ પુસ્તકોનો આધાર આમાં લીધો છે, તથા ૪૬૦ પૃષ્ટાંત કથાઓ વાક્યને અનુરૂપ ઉમેરવામાં આવી છે. જેની નોંધ આગળ આપવામાં આવેલ છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પૃષ્ઠ ૧૯૧ ઉપર પરમકૃપાળુદેવે પ્રસંગોપાત જણાવેલ છે કે “આ સ્થળે બહુ દૃષ્ટાંતોથી કહેવાની મારી ઇચ્છા હતી; પણ ઘાર્યા કરતાં કહેવું વધી ગયું છે.’’ તેમ અહીં પણ મહાનીતિ વાક્યોના ભાવ સરળતાથી સમજાય તે માટે આ દૃષ્ટાંતો ઉમેરેલ છે. આ દૃષ્ટાંતો તથા વાક્યોને અનુરૂપ લખાણ અન્ય પુસ્તકોમાંથી શોધવાનું કામ શ્રી ભાવનાબેને કરેલ છે.
આ ગ્રંથમાં ૪૮ રંગીન ચિત્રો તથા ૭પ રેખાચિત્રો મુકવામાં આવ્યા છે. આ ચિત્રો બનાવવામાં લગભગ બે વર્ષનો સમય વ્યતીત થયો હતો. અવતરણ નીચે લખેલ સંક્ષેપમાં અક્ષર આ પ્રમાણે સમજવા
(૩)