________________
સાતસો મનનીતિ
-
માર્ગમાંથી ચોરોએ તેને પકડ્યો અને પોતાના સ્થાનમાં લઈ જઈ ચાર હજાર સોનૈયા માગ્યા. ભીમે પોતાના પુત્રને ચાર હજાર સોનૈયા લઈને આવવાનું કહેવરાવ્યું. ભીમપુત્ર ચાર હજાર ખોટા સોનૈયા લઈને ચોરોના સ્થાનમાં ગયો અને કહ્યું કે – આ સોનૈયા પારખીને ગણી લ્યો ને મારા પિતાને છોડી દ્યો.' ચોરોમાં મુખ્ય જે ક્ષત્રી હતો તેણે વિચાર્યું કે – ‘આ સોનૈયાની આપણને પરીક્ષા નથી કે એને સાચા ખોટા જાણી શકીએ, પણ ભીમ સત્યવાદી કહેવાય છે, માટે તેની પાસે જ પરખાવીએ.' પછી ભીમ પાસે લઈ જઈ તેને પારખવાનું કહેતાં તેણે સોનૈયા તપાસીને કહ્યું કે – ' આ બધા ખોટા સોનૈયા છે, માટે પાછા આપી દ્યો.' આવો જવાબ સાંભળી મુખ્ય ચોર બહુ ખુશી થયો અને વિચારવા લાગ્યો કે – ‘આવા પુરુષો પણ જગતમાં વસે છે કે જે સંકટમાં પણ અસત્ય બોલતા નથી. સત્ય જ બોલે છે. સત્યની ખાતર ગમે તેટલું કષ્ટ પડે તો પણ સહેવા તૈયાર છે. વળી પોતાના પુત્રને પણ ખોટો ઠરાવતા ડરતા નથી કે ભય પામતા નથી. આમ કહેવાથી મારો પુત્ર હલકો પડશે એવો ભય પણ ઘરાવતા નથી. કળિકાળમાં આવા પુરુષો રત્નતુલ્ય છે. તો આવા પુણ્યશાળીનું દ્રવ્ય કોણ લે ? તેમ વિચારીને તેમણે તે સોનીને કાંઈ પણ લીધા વિના છોડી દીધો. સત્ય વડે આવી સિદ્ધિ થાય છે. જો કે સત્યમાં કષ્ટ પણ રહેલ છે, પરંતુ તે ઘીરજથી સહન કરવામાં આવે તો સર્વ કાર્યની તેથી સિદ્ધિ થાય છે.’’ (પૃ.૧૩૫)
૨૯૦. ખડખડ હસું નહીં. (સ્ત્રી)
સ્ત્રીએ ખડખડ હસવું નહીં. મર્યાદામાં રહી જ્યાં જેટલી જરૂર હોય તેટલું જ મોં મલકાવવું. સ્ત્રી નીતિ બોક'માંથી :
“ખડ ખડ હસજે નહીં તું ડાહી દીકરી, મર્યાદા વણ જાણ્યું હું તો ધિક્કાર જો; ચાલ કુચાલે કો દી તું ચાલીશ નહીં, થાજે ત્યાં તો ડાહીને તું ઠીક જો, સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી. હસવું નહીં ઝાઝું કદી, હે ! સજ્જની મુજ બેન; હસવાથી કિમ્મત ઘટે, એ દુઃખરૂપ ચેન." ‘મોહનીય કર્મની પૂજાના અર્થ' માંથી :– અવધિજ્ઞાનનું પણ હાસ્યથી વિસર્જન
*
એક શિષ્યનું દૃષ્ટાંત – “એક આચાર્ય ભગવંતને ઘણા શિષ્યો હતા. તેમાંથી એક શિષ્ય ભણવા માટે ઘણો પ્રયત્ન કર્યો તો પણ ચઢે નહીં; તેથી શિષ્યે ગુરુને કહ્યું કે હું શું કર્યું જેથી મને વિદ્યા ચઢે, ત્યારે ગુરુએ તેને કહ્યું : તું સાધુ પુરુષોની સેવા કર. તેથી તે ઉત્સાહપૂર્વક બધાની સેવા કરવા લાગ્યો. કોઈને આહાર, પાણી લાવી આપે, કોઈના પગ દબાવે વગેરે સેવામાં તત્પર રહેતો. જ્યારે સેવાથી નિવૃત્ત થાય ત્યારે એકાંતમાં બેસી વિચાર કરતો કે મને જ્ઞાન ક્યારે ચઢશે? એમ રોજ વિચારતાં એક દિવસ નિર્મળતા થવાથી અવધિજ્ઞાન પ્રગટ થયું. તે અવધિજ્ઞાનના બળે તેને પહેલું દેવલોક દેખાવા લાગ્યું. દેવલોક્માં સૌધર્મેન્દ્રને આઠ મુખ્ય દેવીઓ હતી. તેમાંથી એક દેવી રિસાઈ જવાથી સૌધર્મેન્દ્ર તેને મનાવતો હતો. દેવીએ ખીજાઈને ઇન્દ્રને લાત મારી ત્યારે ઇન્દ્ર કહે : તારા પગને વાગ્યું તો નથીને. તે જોઈ મુનિને હસવું આવ્યું કે તરત જ અવધિજ્ઞાન જતું રહ્યું. માટે ગંભીરતા રાખવી. ગંભીરતા એ મોટો ગુણ છે. હસવાની ટેવ સજ્જન પુરુષોએ રાખવા યોગ્ય નથી.
૧૯૭