________________
સાતસો મહાનીતિ
૨૫૪. ગુરુને આસને બેસું નહીં.
ગુરુની બધી વસ્તુ પૂજનીય છે. તે સાધનો તેમની સ્મૃતિ કરાવે છે. એમના આસન, કપડાં, દેહ, ઘર વગેરે ગમે તે વસ્તુ હોય તે પૂજનીય છે. પરમકૃપાળુદેવના સમયમાં એક મુમુક્ષુએ પરમકૃપાળુદેવનું ધોતિયું પહેરી લીધું તે જોઈ પરમકૃપાળુદેવે કહ્યું કે આમ કરવું યોગ્ય નથી.
‘બોધામૃત ભાગ-૩’માંથી – “ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે ‘તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર’’ (પત્રાંક ૬૭૪) કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયો કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી. પણ ભક્તિમાન હૃદય તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઈ આવે છે. “મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે’’ એમ કહેવત છે તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે. પરમકૃપાળુદેવનો પત્ર આવે ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફોડતાં, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્ય ચિહ્નો છે. “સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ.' પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડ્યું તે વખતે તે ઘરને, તે ડહેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા; છેવટે જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઈને તેમના મિત્રે પૂછ્યું કે કદી નહીં ને આજે કેમ આમ વર્તો છો? તો કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઈ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહોતા. જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઈ શકવા સંભવ હોય તેના પ્રત્યેનું બહુમાનપણું જે અંતરમાં ઊંડું રહ્યું છે તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરોનાં પંચકલ્યાણક સ્થાનો કે તેનાં વર્ણનો પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમ દશા જેણે અંશે પણ અનુભવી નથી તેને બુદ્ધિથી તેનો ખ્યાલ આવવો અશક્ય છે.’’ (બો.૩ પૃ.૩૫૧)
માટે ગુરુને પૂજ્ય માની તેમના આસને બેસું નહીં પણ ભક્તિભાવે તેવા આસન, કપડાં વગેરેના દર્શન કરી તેમના ગુણોની સ્મૃતિ કરું.
૨૫૫. કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં.
ગુરુના નામે પોતાનું માહાત્મ્ય વધારી લોકોમાં મોટા થવા પ્રયત્ન કરું નહીં. જેમકે આ કાળમાં પરમકૃપાળુદેવનું નામ લઈ કોઈ કહે કે પરમકૃપાળુદેવે પ્રત્યક્ષથી કલ્યાણ થાય એમ જણાવ્યું છે. અમે તમને માર્ગ બતાવીએ છીએ, તેથી પ્રત્યક્ષ અમને માનવા જોઈએ, એવા ભાવ જણાવે. એમ પરમકૃપાળુદેવના નામે મોટા થઈ કોઈ પ્રકારની મહત્તા ભોગવું નહીં. પણ સદા તેમનો આજ્ઞાંકિત શિષ્ય થવા પ્રયત્ન કરું. ૨૫૬. તેથી શુક્લ હ્રદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું.
વાક્ય ૨૫૫માં જણાવ્યું કે શ્રી ગુરુના નામે માન મહત્તા ભોગવું નહીં; પણ આ વાક્યમાં કહ્યું તેમ શ્રી ગુરુ મળવાથી હવે હૃદયને શુક્લ કરી અર્થાત્ હૃદયમાં માત્ર આત્માર્થનો લક્ષ રાખી, આ ભવના ભૌતિક સુખો કે પરભવના દેવલોક આદિના સુખોની કામના તજી, શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. “શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?’’ શ્રીમદ્ રાજચંદ્ર ‘બોઘામૃત ભાગ-૧’માંથી – મુમુક્ષુ – શુક્લ અંતઃકરણ એટલે શું?
પૂજ્યશ્રી—પાપ વિનાનું અંતઃકરણ તે શુક્લ અંતઃકરણ. ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત તે શુક્લ અંતઃકરણ
૧૭૧