________________
સાતસો મહાનીતિ
શું બોલે છે. માતાના, મહાદેવના વગેરે ઘણાના સોગન ખાય તેને એ બધું સામાન્ય થઈ ગયું છે કે સમ ખાવામાં શું જાય છે? પણ કર્મ બંધાય છે તેનું તેને ભાન નથી. માટે ખોટા સોગન ખાઉં નહીં. ૧૬૩. હાંસી કરું નહીં.
હાંસી એટલે મશ્કરી કરું નહીં. નજીવી બાબતમાંથી કોઈ સાથે વેર બંધાઈ જાય. હાંસીની ફાંસી થઈ જાય અથવા હાંસી કરતા કોઈ ઝેર ખાઈ બેસે.
રાજા અને સાળાનું દ્રષ્ટાંત - એક રાજા પરણીને હાથી પર બેસી પોતાની સ્ત્રી અને સાળા સાથે આવતો હતો. વચ્ચે એક ટેકરી ઉપર મુનિ તપસ્યા કરતા હતા તેને રાજાએ નમસ્કાર કર્યા. ત્યારે સાળાએ મશ્કરી કરી કે મુનિ થવું છે કે શું? મુનિ થવું હોય તો હું તમારો ચેલો થાઉં. રાજા નાની ઉંમરનો હતો પણ ભાવ ઘણા સારા હતા. દીક્ષા લેવાના જ ભાવ હતા. તેથી રાજાએ કહ્યું “તું બોલ્યો પણ હવે ફરી ન જઈશ!” એમ કહી રાજા હાથી પરથી ઊતરી પડ્યો અને મુનિ પાસે ટેકરી પર જવા લાગ્યો. સાળાને લાગ્યું કે હું તો મશ્કરી કરતો હતો પણ આણે તો ખરેખરું કરવા માંડ્યું. તેથી રાજા પાસે જઈ પગે પડ્યો અને કહ્યું કે હું તો મશ્કરી કરતો હતો કે આમ તે વળી કોઈ મુનિ બને? પછી રાજાએ તેને સંસાર કેવો દુઃખરૂપ છે એની વાત કહી અને સાળા તથા પોતાની પરણેલી સ્ત્રીને પણ સમજાવી. બઘાએ સાથે દીક્ષા લીધી.
બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ બોલીએ છીએ તેનું શું પરિણામ આવશે, નહીં તો પછી પસ્તાવું પડે છે.
દ્રૌપદીનું દૃષ્ટાંત - દ્રૌપદીએ પણ મશ્કરીમાં કહ્યું કે આંધળાના પુત્ર આંધળા. તેથી દુર્યોધન ગુસ્સે ભરાયો અને મહાભારતનું યુદ્ધ મંડાયું. માટે કદી કોઈની હાંસી મશ્કરી કરવી નહીં. ૧૬૪. સમભાવથી મૃત્યુને જોઉં.
“જીવિત કે મરણે નહીં ન્યુનાશિકતા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” સમાધિમરણની આ દશા કહી. મરણ આવે તો ભલે અને ન આવે તોય ભલે. વહેલું આવે, મોડું આવે, ગમે ત્યારે આવે, એવી દશા સમભાવની છે. કોઈ માંદા હોય અને દુઃખ સહન ન થતું હોય તો મરણને ઇચ્છે છે અથવા કોઈને ભોગોમાં આસક્તિ હોય તેથી મરણ ન આવે તો સારું એમ ઇચ્છે છે. પણ જેની આત્મિક દ્રષ્ટિ છે, જેણે આત્મા જ સુખરૂપ માન્યો છે, તેને સર્વ અવસ્થા સુખરૂપ છે. તે મરણથી ડરતાય નથી અને મરણને ઇચ્છતા પણ નથી; બન્ને પ્રત્યે સમભાવ છે. ૧૬૫. મોતથી હર્ષ માનવો.
પ્રભુશ્રીજી કહેતા કે, “મૃત્યુ મહોત્સવ છે.” કૃતકૃત્ય થવારૂપ જેણે જીવન ગાળ્યું છે તેને મરણ તો પરાધીનતામાંથી મુક્ત કરે છે. મૃત્યુથી જે ડરતા હોય તેને વિચારની આ બીજી બાજુ બતાવી. ડર કાઢવો હોય તો કોઈ હર્ષનું કારણ હોય તો ડર જાય. જેમ કૂવો કૂદવો ભયંકર છે. પણ કોઈ ઈનામ કાઢ્યું હોય તો ખુશીથી કૂદી જાય છે. તેમ મરણનો ભય દૂર કરવા માટે શાસ્ત્રોમાંથી મરણથી થતા ફાયદા પણ વર્ણવ્યા છે. જેમકે મરણ ન હોય તો કેટલો બધો વખત દુઃખદ અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં રહેવું પડે! જે કંઈ પુણ્યકાર્ય કર્યું હોય તેનું ફળ સ્વર્ગાદિ અન્ય સ્થળે મરણ પછી ભોગવાય છે. મોક્ષ પણ મરણ પછી જ થાય