________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૮૮
અર્થ :— કમઠ અને ધરણેન્દ્ર પોતાને ઉચિત કાર્ય કરી રહ્યાં → છે. કમઠને પ્રભુ પ્રત્યે વેરભાવ હોવાથી ઉપસર્ગ કરે છે અને ધરણેન્દ્રને પ્રભુ પ્રત્યે ભક્તિભાવ હોવાથી પ્રભુની સેવા કરે છે. પણ બન્ને પ્રત્યે પ્રભુને તો સમ ભાવ છે. એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારા શ્રેય એટલે કલ્યાણના કારણરૂપ થાઓ. ૧૦૬, ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ.
ગજસુકુમારની ક્ષમા—સોમલ બ્રાહ્મણે સ્મશાનમાં ગજસુકુમા૨ને જોઈને વિચાર્યું કે એણે મારી પુત્રીનો ભવ બગાડ્યો. અને પોતે અહીં આવીને ધ્યાનમાં ઊભો રહ્યો છે. એમ વિચારી બહુ ક્રોધ આવવાથી ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી, અંદર ધગધગતા અંગારા ભર્યા. છતાં પણ ગજસુકુમારે કેવી અનુપમ ક્ષમા રાખી; તેવી અનુપમ ક્ષમા મને પણ પ્રાપ્ત થાઓ.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા
ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે.
કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રઘ્યાનમાં રહ્યા હતા; ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું.
ગજસુકુમા૨નું દૃષ્ટાંત :– સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધગધગતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા.
૧૮૯
વચનામૃત વિવેચન
કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે! (વ.પૃ.૮૯) રાજેમતિ રથનેમિને જે બોધ આપે છે તે બોધ મને પણ પ્રાપ્ત થાઓ. ‘શીલોપદેશમાલા' માંથી :
રથનેમિનું દૃષ્ટાંત :- એક દિવસે નેમીશ્વર વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર પધાર્યા. તે વખતે પ્રભુને વાંદવા માટે દ્વારકાથી કૃષ્ણ વિગેરે આવ્યા તેમની સાથે રથનેમિ પણ આવ્યા. તેમણે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરનારી પ્રભુની ધર્મદેશના સાંભળીને શ્રી જિનેશ્વર પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. એકવાર નેમિશ્વરને વંદના કરી રથનેમિ જતા હતા, તેવામાં રસ્તામાં વરસાદ થવાથી તે ગુફામાં ગયા. તે વખતે નેમિશ્વરને વાંદવાને માટે રાજીમતિ આવતી હતી, તે પણ વરસાદ થવાથી જે ગુફામાં રથનેમિ ગયા હતા, તે જ ગુફામાં અંધકારથી રથનેમિને ન જાણવાથી ગઈ અને પોતાના ભીનાં થયેલાં સર્વ વસ્ત્રો કાઢીને સૂકવ્યાં.
ઓચિંતા ત્યાં રથનેમિના રાગપૂર્ણ વચન સાંભળી તરત જ વસ્ત્ર પહેરીને તે સતીએ ધીરજપણાને ઘારણ કરી રથનેમિને કહ્યું : “હે મહાનુભાવ! ભવના કારણરૂપ આ વેગ તને ક્યાંથી ઉત્પન્ન થયો? અને તેં દીક્ષા ધારણ કરતી વખતે જે પ્રતિજ્ઞા લીધી છે તેનું સ્મરણ કર. કહ્યું છે કે તપસ્વીની હેલના કરવાથી, ધર્મનો વિઘાત કરવાથી અને દેવ દ્રવ્યનો વિનાશ કરવાથી બોઘીનો ઘાત થાય છે. પ્રથમ ગૃહસ્થાવસ્થાને વિષે મેં તારી વાત સ્વીકારી નહોતી તો આ વ્રતને વિષે હું તારો શી રીતે આદર કરીશ.