________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૬૨
આત્માના હિત માટે પ્રવર્તવાની ઇચ્છા રાખતા છતાં પણ જો - સફળતા પ્રાપ્ત ન થઈ તો પણ નિરાશ થવું નહીં. કારણ કે પ્રવર્તવાની જે ઇચ્છા છે તેમાં પણ તમારા આત્માનું હિત સમાયેલું છે. પૂર્વકર્મને લઈને કદાચ સફળતા ન મળે તો પણ વર્તમાનમાં તેમ વર્તવાનો જે સત્પુરુષાર્થ કરીએ છીએ તે નિષ્ફળ જવાનો નથી. આગળ ઉપર આત્માના હિતમાં તે મદદરૂપ જ થશે. ૫૭. તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો.
તમે જે શુભ વિચારો કરો છો તે પાર પડશે. પણ કદાચ વર્તમાનમાં તેનું ફળ ન દેખાય તો પણ તે શુભ વિચારોથી તમારા ચિત્તની સ્થિરતા થઈ છે તો તે કાર્ય પાર પડ્યું છે એમ જાણો. કેમકે ચિત્તની સ્થિરતા એ જ સુખ છે, અને ચિત્તની અસ્થિરતા એ જ દુઃખ છે.
૫૮. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે.
જ્ઞાનીપુરુષને ખેદનો પ્રસંગ આવી જાય તો પણ અંતરમાં ખેદ હોતો નથી. શ્રીકૃષ્ણ તથા બળદેવ બન્ને ભાઈઓ હોનહાર એવી દ્વારિકા નગરીને બળતી ઊભા ઊભા જોઈ રહ્યા છે. છતાં અંતરમાં સાવ અલિપ્તભાવ છે કે જાણે પાડોશીનું ઘર કેમ બળતું હોય તેમ લાગે છે. લાખોનું નુકસાન થાય તો પણ જ્ઞાનીઓને તેથી ખેદ થતો નથી. અથવા લાખોની કમાણી થાય તો પણ તેથી તેમને કંઈ હર્ષ ઊપજતો નથી. એવી જ્ઞાનીપુરુષોની અંતરંગ આત્મદશા છે.
જનકવિદેહી કે નમિરાજર્ષિ જ્ઞાની હોવાથી પોતાની નગરી દેવમાયાથી બળતી દેખાડી છતાં મારું કાંઈ બળતું નથી એમ તેમને લાગ્યું હતું. ૫૯. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી.
જ્યાં સુધી તે તત્ત્વની એટલે આત્મતત્ત્વની અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુઘી મોક્ષમાર્ગના જે સમ્યજ્ઞાનદર્શન સંયમાદિ વાસ્તવિક કારણો છે તે તેને મળ્યા નથી. આત્મજ્ઞાન થયા પછી મોક્ષમાર્ગ કઈ દિશામાં છે તેનું તેને ભાન થાય છે.
૬૦. નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાંનીઓનું કહેવું છે.
૧૬૩
વચનામૃત વિવેચન
પૂર્વે ગાઢ કર્મો બાંધ્યા હોય તો નિયમ પાળવાની ઇચ્છા
છતાં પણ તે પળતો નથી.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
“એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, યાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્રસંબંઘી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવાં કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દૃઢ સંકલ્પે રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.’’ (વ.પૃ.૧૯૧)
૬૧. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે.
ચારગતિરૂપ અથવા ૮૪ લાખ જીવયોનિરૂપ આખો સંસાર છે. આ સંસારરૂપી બહુ મોટું વિશાળ કુટુંબ છે. તેમાં આપણો આત્મા એકેંદ્રિયાદિ કુટુંબમાં જઈ પછી મનુષ્યરૂપ કુટુંબમાં કે દેવલોકરૂપ કુટુંબમાં કે નરક કુટુંબમાં મહેમાનરૂપે રહી ફરી બીજી ગતિઓમાં જાય છે. જેમ મહેમાન હોય તે એક ઠેકાણે રહેતા નથી. તેમ આજે આપણે મનુષ્યભવમાં આવ્યા છીએ ત્યાં ૫૦-૬૦ વર્ષ રહીને નિયમા પાછા જવાના છીએ, માટે મહેમાન જેવા જ છીએ. આપણો સ્થાયીવાસ તા માત્ર મોક્ષમાં છે. આપણને સંસારમાં મહેમાનપણું લાગે તો તે પ્રત્યે વૈરાગ્ય આવે કે મારે તો થોડા દિવસ પછી જવાનું છે; તો હું કઈ વસ્તુમાં મોહ કરું. એમ ભાવોને સદા જાગૃત રાખો તો અંત વખતે રહસ્યભૂત મતિ આવીને જીવનું સમાધિમરણ થાય અને અસંગભાવ કે નિર્મોહીભાવ પણ તો જ આવે.
૬૨. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે.
ખરેખર ભાગ્યશાળી કોણ? તો કે જ્ઞાનીપુરુષ તથા જેને સત્પુરુષનો યોગ થયો છે, જે યથાશક્તિ ધર્મ આરાઘે છે, જે સત્પુરુષની ભક્તિ તથા સત્સંગ કરીને છ પદની શ્રદ્ધા વૃઢ કરે છે. જે સત્પુરુષની આજ્ઞા ઉપાસે છે અને રાગદ્વેષના ભાવોને જે ઘટાડવા પ્રયત્નશીલ છે તે જ ભાગ્યશાળી છે. તે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે.