________________
૮૪૮
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર
મજબૂત કરનારા એવા શાસનના મોભભૂત આચાર્ય મહારાજાઓ તથા ઉપાધ્યાયજી મહારાજાઓ જય પામે છે.
વળી તે આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી મહારાજાઓ સમસ્ત પરભાવદશાના પરિચયના ત્યાગી છે. સ્વભાવદશામાં જ એટલા બધા લયલીન છે કે ક્યારેય વિભાવદશામાં સ્વપ્નમાં પણ જોડાતા નથી એટલા બધા મોહદશાના ત્યાગી છે. નિત્ય સંવેગી અને વૈરાગી છે
તથા અનેકાન્તવાદના નિરંતર અભ્યાસના કારણે સાતે નયો દ્વારા દ્રવ્યાર્થિક -પર્યાયાર્થિકનય દ્વારા અને નિશ્ચય-વ્યવહાર નય દ્વારા જાણ્યું છે સાચું-યથાર્થ વસ્તુનું સ્વરૂપ જેઓએ એવા પરમ ઉપકારી આ ગુરુ ભગવતો જય પામે છે વિજય પામે છે.
(૧) સમસ્ત વિશ્વને વ્યામોહિત કરનારી વિભાવદશાના વિષનું નિવારણ કરવામાં પ્રવીણ-ચતુર એવાં સુવાક્યો રૂપી અમૃતનું દાન કરવાથી નાશ કર્યું છે અનાદિ કાલીન મોહદશારૂપી કાલકૂટ વિષ જેઓએ એવા આ મહાત્માઓ છે.
(૨) પોતાના આત્મતત્ત્વની શુદ્ધ-નિર્મળ અનંત ગુણસંપત્તિનો જ વિલાસ (અનુભવ) કરવાની લીલાથી યુક્ત એવા આ મહાત્માઓ છે.
(૩) નિગ્રન્થ હોવા છતાં પણ “મહારાજા” ની પદવીવાળા અર્થાત્ બાહ્ય ભૌતિક સંપત્તિના ત્યાગી હોવાથી નિગ્રન્થ, પણ આત્મિક અખંડ, અવિનાશી અનંતગુણોની સંપત્તિવાળા હોવાથી ચક્રવર્તી રાજા કરતાં પણ મોટા રાજા અર્થાત્ મહારાજા.
(૪) અસંગ હોવા છતાં પણ અનંતગુણોની સમ્યક્ પ્રકારે ધારણા કરવામાં રચ્યાપચ્યા રહેલા, બાહ્યસંપત્તિથી સંગ વિનાના પણ આન્તરિકગુણોની ધારણામાં લાગી ચુકેલા.
(૫) આકુલ-વ્યાકુલતા વિનાના શાન્ત હોવા છતાં પણ પોતાના આત્મતત્ત્વની સાધના કરવામાં વ્યાકુલ બનેલા આ મહારાજાઓ ભૌતિકભાવોના યોગમાં અનાકુલ છે પણ આત્મતત્ત્વની સાધનામાં વ્યાકુલ છે એવા આ મહાત્માઓ છે.
(૬) વનવાસી છે પણ પોતાની આત્મતત્ત્વની સુગંધનું પાન કરવામાં મગ્ન, વનવાસી હોવાથી ઘરની જેમ તેલ, અત્તર, પાવડર આદિની પૌદ્ગલિક સુગંધ નથી છતાં આત્મતત્ત્વના ગુણોની સુગંધનો અનુભવ કરનારા આ મહાત્માઓ છે.
(૭) શ્રીમાન્ (ભાવલક્ષ્મીવાળા) એવા શ્રી સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું નિર્વહન (પાલન) કરવામાં અગ્રેસર છે.