________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
કોઈ પરદ્રવ્યની આધીનતા નહીં, કોઈ પરદ્રવ્યની અપેક્ષા નહીં, કોઈ પરદ્રવ્યની મમતા નહીં, પોતાના આત્મગુણોની સાથે જ આનંદ, તેમાં જ સંપૂર્ણતા, આવું સામ્રાજ્ય યોગીને હોય છે. આ સામ્રાજ્ય તો જે માણે તે જ જાણે, વાચાથી સમજાવી પણ ન શકાય. અદ્ભુત, અનુપમ અને સર્વથા પરથી નિરપેક્ષ હોય છે. માટે આત્માર્થી જીવે સર્વ પ્રકારે તેવા સામ્રાજ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
૭૯૬
આવા પ્રકારનું સર્વથા પરથી નિરપેક્ષ આત્મતત્ત્વનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે યોગી પુરુષો યમ-નિયમ આદિ ભેદોને જીવનમાં આચરે છે, આસન અને ભિન્ન ભિન્ન મુદ્રાઓ દ્વારા પોતાના શરીરનો સંકોચ કરે છે. રેચક-પૂરક અને કુંભક એવા પ્રાણાયામ દ્વારા શુદ્ધ પ્રાણને સાધે છે. મોહસંજ્ઞાને તોડવા માટે નિર્જન જંગલમાં રહે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ત્યજે છે. તેથી જે આત્માઓએ પોતાના આત્માનું હિત કરવું છે તેવા સ્વહિતાર્થી આત્માઓએ “સમભાવદશાનું અનંત અનંત સુખ છે મૂલમાં જેને” એવા પ્રકારના આત્માના ગુણોની સાથે એકતા-તન્મયતાના ઉપયોગને જ સાધ્ય બનાવવો જોઈએ. ભોગસુખોની બુદ્ધિ રાગાદિ કરાવવા દ્વારા સંસાર પરિભ્રમણ કરાવનારી છે. પુણ્ય-પાપકર્મને આધીન તેની પ્રાપ્તિ છે; પરાધીન છે. પરપદાર્થ છે. આત્માનું સ્વરૂપ નથી. માટે ઉત્તમ આત્માઓએ તે પરપદાર્થની મમતા-મૂર્છા ત્યજીને સ્વગુણરમણતાનો જ આશ્રય કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીશમા ધ્યાનાષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
ત્રીશમું ધ્યાનાષ્ટક સમાપ્ત