________________
૭૦૨
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
એ સ્વયં અનુભવથી જ જણાય છે શબ્દોથી સમજાવી શકાતી નથી. જેમ કોઈ સ્ત્રીને થતી પ્રસુતિની પીડા, અથવા કેન્સર આદિના રોગીને થતી રોગની પીડા, તે જીવ જ સ્વયં સમજી શકે છે. વાચાથી યથાર્થપણે વ્યક્ત કરી શકાતી નથી. તેવી જ રીતે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો વિશાળ અનુભવ જેને પ્રાપ્ત થયો છે તે અનુભવ તો અનુભવી જ સમજી શકે છે, વાચાથી કહી શકાતો નથી - વર્ણવી શકાતો નથી.
જેમ સંધ્યા, દિન અને રાત્રિથી પૃથક્ છે તેમ અનુભવ એ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પૃથક્ છે એમ તત્ત્વોનું સ્વરૂપ જેઓએ જાણ્યું છે એવા બુધપુરુષોએ (જ્ઞાની પુરુષોએ) દેખ્યું છે, અનુભવ્યું છે. જ્ઞાની મહાત્માઓનો આવો અનુભવ છે. આ અનુભવદશા એ ઘણા લાંબા કાળ સુધી અધ્યયન કરેલા અને અધ્યાપન કરાવેલા શ્રુતજ્ઞાનના ફળસ્વરૂપ છે અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી સાધ્ય તરીકે લક્ષ્યભૂત કરેલા એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ આ અનુભવદશા છે આમ જાણવું. આ અનુભવદશા એ અધ્યાત્મની સાથેની એકતાના પરમ આનંદસ્વરૂપ છે. આત્માની અત્યન્ત નિર્મળ પરાકાષ્ઠાવાળી દશા છે. જેમ ગામની ભાગોળ આવે એટલે તુરત જ ગામ આવે એમ આ અનુભવદશા આવે એટલે અંતર્મુહૂર્તમાત્રમાં જ કેવલજ્ઞાનવાળી અવસ્થા જીવને આવે છે. માટે સર્વજ્ઞતાની પ્રાપ્તિની અત્યન્ત નિકટતમ પૂર્વાવસ્થા છે. આ જ વાત સમજાવે છે.
કેવલજ્ઞાન અર્થાત્ સંપૂર્ણજ્ઞાન, બીજા કોઈ જ્ઞાનની સહાય નથી જેમાં એવું જ્ઞાન એટલે કે કેવલ એકલું જ જ્ઞાન તે કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય જે થવાનો છે તેના પૂર્વકાલવર્તી જે અરુણોદય (એટલે કે સૂર્યના સારથિરૂપ અરુણનો જે ઉદય) છે તેની તુલ્ય આ અનુભવદશા છે. જેમ સૂર્યોદયના પૂર્વકાલમાં અરુણોદય થયા પછી તુરત જ સૂર્યોદય થાય છે. તેમ અનુભવજ્ઞાનનો ઉદય થયે છતે તુરત જ આ જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ જેમ અરુણોદયપૂર્વક સૂર્યોદય છે તેમ અનુભવોદય પૂર્વક કેવલજ્ઞાનોદય છે આમ જાણવું. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે “આ અનુભવજ્ઞાન તે મતિ અને શ્રુતજ્ઞાનના ઉત્તરકાલે થનારો અને કેવલજ્ઞાનના અવ્યવહિત એવા પૂર્વકાલે થનારો પ્રકાશવિશેષ જ છે.” “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’” આ કહેવત અહીં જોડવી. યોગદૃષ્ટિનો પાઠ આ પ્રમાણે -
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः ।
शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥
सर्वथा तत्परिच्छेदात्, साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥