________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૯
કરવાને ઈચ્છીએ છીએ.’ ત્યારે કુમાર કહે છે કે - “કર્મોના બંધના મૂલ કારણભૂત, ભવને વધારનારા અને જિનેશ્વર ભગવંતે નિષેધ કરેલા એવા રાગને કરવાની કયો બુદ્ધિમાન માણસ ઈચ્છા રાખે ? અર્થાત્ આવા દુ:ખદાયી રાગને કરવાની કોઈ ઈચ્છા ન રાખે.”
આત્માની સાથે એકમેકતાને પામેલા અને ધર્મ આચરવામાં સહાયક એવા પોતાના શરીરને વિષે પણ રાગ એ ચંચળતામાં કારણભૂત હોવાથી એટલે કે અસ્થિરતા અને આકુળવ્યાકુળતામાં કારણ હોવાથી સર્વદર્શી ભગવંતોએ (રાગ) કરવાનો નિષેધ કર્યો છે તો પછી ચતુરાઈથી યુક્ત એવો કયો પુરુષ પરના શરીરને વિષે રાગ કરે ? જો પોતાના શરીર ઉપર રાગ ન કરાય તો પરના શરીર ઉપર તો રાગ કરાય જ કેમ ? અર્થાત્ ન જ કરાય.
પોતાનું શરીર ધર્મ-આચરણનું કારણ છે. આત્મા સાથે તન્મય થયેલું છે તો પણ રાગ એ આકુલ-વ્યાકુલતા લાવનાર છે. માટે નિષેધેલો છે તો પછી પારકાના શરીર ઉપર રાગ કેમ કરાય ? નિર્મળ એવા ચારિત્રનું (ક્ષાયિક-યથાખ્યાત ચારિત્રનું) આવરણ કરનારા અને કેવલજ્ઞાનનો પ્રતિબંધ કરનારા એવા રાગને ત્યજવો જ જોઈએ, કરવો જોઈએ નહીં, છતાં રાગ કર્યા વિના જો ન જ રહેવાય તો તે રાગ અરિહંત પરમાત્મા આદિ મહાત્માઓ ઉપર કરવો સારો, પણ અન્યત્ર રાગ કરવો નહી સારો. અરિહંત પરમાત્મા આદિ મહાપુરુષો ઉપર જે રાગ કરાય છે તે પણ નિશ્ચયનયથી (એક પ્રકારનું બંધન હોવાથી) ત્યાજ્ય જ છે. અંતે તો તજવાનો જ છે. તો પછી અનર્થપ્રધાન એવા વિષયરાગને તો કેમ કરાય ? અર્થાત્ વિષયરાગ તો બીલકુલ કરાય જ નહીં.
રાગને સર્વથા ત્યજીને પોતાના આત્મ-સ્વભાવમાં જ લીન બનેલા એવા વીતરાગભગવંતો જ સાચા સુખી છે. માટે અન્ય જીવો ઉપર કે અન્ય જીવોના દેહ ઉપર રાગ કરવો મને યોગ્ય લાગતો નથી, હું આ રાગ કરી શકું તેમ નથી. એટલું જ નહીં, પરંતુ તમારે પણ આવા પ્રકારના દુઃખદાયી રાગને કરવો ઉચિત નથી, તમે પણ મારા ઉપરના રાગનો ત્યાગ કરનારાં થાઓ.
આવા પ્રકારનો ઉપદેશ આપવા પૂર્વક પ્રતિબોધિત કરાયેલી હજારો કન્યાઓથી પરિવરેલો આ શ્રીકાન્તકુમાર દીક્ષિત થયો. કુમારે દીક્ષા લીધી અને તેની સાથે હજારો રાજકન્યાઓએ પણ દીક્ષા લીધી. અનુક્રમે અનુપમ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવા વડે અને તે આરાધનામાં પોતાનું વીર્ય ફોરવવા વડે શુક્લધ્યાન પ્રાપ્ત કરીને આ કુમાર સિદ્ધિપદને પામ્યા તથા તે રાજકન્યાઓ પણ સિદ્ધિપદને પામી. આ પ્રમાણે રાગનો ત્યાગ કરવો જોઈએ. જો રાગ ત્યાજ્ય છે તો તેના કારણભૂત ધન-ધાન્યાદિ પરિગ્રહનો રાગ તો ત્યાજ્ય જ હોય છે. તે પરિગ્રહ કે પરિગ્રહનો રાગ ક્યારેય પણ આત્મહિત માટે થતો નથી. ॥૬॥