________________
૬૭૮ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર આત્માને કર્મોના બંધનથી અત્યન્ત ઝકડી લે છે, પકડી લે છે. આ પરિગ્રહ જીવને ઘણો જ આકુળ-વ્યાકુલ કરે છે તથા કર્મોથી વીંટી લે છે તે માટે તેને બાહ્ય અને અત્યંતર પરિગ્રહ કહેવાય છે તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે ત્યાં નામ-સ્થાપના સુગમ હોવાથી ટીકામાં ટાંક્યા નથી. ધન-ધાન્યાદિ બાહ્ય જે નવવિધ પરિગ્રહ છે તે દ્રવ્યપરિગ્રહ જાણવો અને પરદ્રવ્યને મેળવવાની ઈચ્છારૂપ મલીન એવો જે આત્મપરિણામ અર્થાતુ પરપદાર્થોની આશંસારૂપ આત્મપરિણામ, સારાંશ કે મમતાનો પરિણામ તે ભાવપરિગ્રહ સમજવો.
પરમાર્થથી તો આ આત્મા પોતાના શુદ્ધ રત્નત્રયીમય ગુણોમાં જ પરિવર્તન પામવા સ્વરૂપ સ્વપર્યાયોના સ્વામિપણાની પરિણતિવાળો છે. તાત્વિક સ્વરૂપ આવું છે. પરંતુ તે સ્વપર્યાયોનું આવરણ કરનારા એવા મોહનીયાદિ કર્મોના ઉદયને કારણે તે સ્વપર્યાયના સ્વામિત્વની પરિણતિનો હાલ અભાવ વર્તે છે. તે કારણથી (મોહનીયકર્મના ઉદયથી યુક્ત એવા એટલે કે) અશુદ્ધ એવા બલ-વીર્ય દ્વારા ગ્રહણ કરાયેલાં (અર્થાત્ પૂર્વકાલમાં બાંધેલાં) એવાં પુણ્યકર્મનાં પુગલોનો વિપાકોદય થયે છતે પ્રાપ્ત થયેલા શુભભાવો ઉપર અથવા પ્રશસ્ત એવા આત્મપરિણામોને વિષે તથા કાષાયિક એવા અપ્રશસ્ત આત્મપરિણામોને વિષે (પણ) જે મમતા (મારાપણાનો પરિણામ) તે પરિગ્રહ કહેવાય છે. આ પરિગ્રહ એ મોહોદય હોવાથી અશુભવિકારવિશેષ છે. તેથી તે પરિગ્રહ આત્માના પોતાના શુદ્ધસ્વરૂપના જ્ઞાનનો અને શુદ્ધસ્વરૂપની રમણતાનો વ્યાઘાત કરનાર છે. આ કારણથી આ પરિગ્રહ ત્યાગ કરવા યોગ્ય છે.
પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલો નવવિધ દ્રવ્યપરિગ્રહ પણ ભાવપરિગ્રહનું (મમતાદિ વિકારોનું) કારણ હોવાથી, અને ભાવપરિગ્રહ તે ઉપાદાનભૂત એવા આત્મતત્ત્વને અશુદ્ધોપાદાન રૂપે પરિણામ પમાડનાર હોવાથી દ્રવ્ય અને ભાવ એમ બન્ને પરિગ્રહ ત્યજવા લાયક છે.
नयव्याख्यायां-जीवाजीवेषु परिग्रहत्वं सङ्ग्रहेण । भाष्ये च "द्वितीयपञ्चमाश्रवौ सर्वद्रव्येषु इति वाक्यात्" व्यवहारपरिग्रहः धनादिकयुक्तः । ऋजुसूत्रेण तदभिलाषी, शब्दनयेन पुण्याशंसा, इत्यादिना भावनीयम् । अतः तदुपदेशः -
પરિગ્રહ ઉપર જ્યારે નયોથી વિચારણા કરવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણે આ નયસંબંધી વિચારણા થઈ શકે છે -
(૧) નૈગમનય - મૂલટીકામાં તેનો ઉલ્લેખ નથી, પરંતુ આ નય ઉપચારગ્રાહી હોવાથી જીવ-અજીવનાં ચિત્રો-આલેખનો, કૃત્રિમ પુતળાં, રમકડાં આદિ ઉપર તે તે પદાર્થની માનસિક કલ્પના કરીને મમતા કરવી તે પરિગ્રહ. જેમકે કોઈપણ પુરુષને પોતાની પત્ની આદિ રાગી પાત્રના ફોટાને જોઈ, ચિત્રને જોઈ, તેના કોઈ આલેખનને જોઈ