________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૫૩
એવી ઈચ્છા એ જ એક મોટો મોહ છે. આ જીવ બહારથી જ સારું સારું વર્તન કરવામાં અને અંતરશુદ્ધિ ન મેળવવામાં જ વધારે સાવધાન છે. હે જીવ ! જો તેં શુદ્ધિ સિદ્ધ કરી છે તો તને અવશ્ય કેવલજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થવાની જ છે. પ્રાપ્ત કરેલી નિર્મળ શુદ્ધ ધર્મની સિદ્ધિ બીજાને દેખાડવાની શું જરૂર છે ? ઉલટું બીજા જીવો જો જાણશે અને પ્રશંસા કરશે તો આપણો જીવ પુનઃ માનાદિમાં આવશે અને તેનાથી તારું પતન થશે, માટે હે ઉત્તમ જીવ ! લોકયાત્રા વડે સર્યું, લોકસંજ્ઞાનો તું ત્યાગ કર.
જો આપણા આત્મામાં ઉત્તમ ધર્મની સિદ્ધિ થઈ છે અને તેમાં પોતાનો આત્મા જ સાક્ષી છે. તો પછી લોયાત્રા એટલે કે લોકોને જણાવવાની શું જરૂર છે ? કંઈ જરૂર નથી. આ વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરતમહારાજા એમ બન્ને ઉદાહરણો જાણવા જેવાં છે.
(૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સંયમ સ્વીકાર્યો હતો, સાધુપણાના લિંગમાં હતા, કાયોત્સર્ગની મુદ્રામાં હતા, એક પગ ઉપર સ્થિર હતા, ઈત્યાદિ રીતે દ્રવ્યથી એટલે કે બાહ્યથી જાણે મહાત્મા હોય, મહાપુરુષ હોય એમ લોકો માને તેવું બાહ્યત્યાગી જીવન હતું. પરંતુ મન પુત્રરાગથી ભાઈની સાથે યુદ્ધમાં પ્રવર્તતું હતું, તેનાથી નરકગતિપ્રાયોગ્ય બંધ થયો. બાહ્યદૃષ્ટિએ આ આત્મા મહાધર્મી છે. આમ લોકસંજ્ઞામાં જણાય છે. પણ અંતરથી તે આત્મા તે કાલે ધર્મો ન હતો. આ એક ઉદાહરણ થયું.
(૨) ભરત મહારાજા છ ખંડના રાજા હતા, ચક્રવર્તી હતા એટલે સાધુતાનાં કોઈ લિંગ ન હતાં. બહારથી જોઈએ તો લોકસંજ્ઞામાં જણાય તેવી કોઈ ધર્મસાધના ન હતી. ઉલટું મોહરાજાને કેલિ કરવામાં સાધનભૂત એવી અનેક સ્ત્રીસમૂહથી પરિવરેલા હતા. અર્થાત્ બહારથી ભોગી હતા, યોગી ન હતા તો પણ અવસર પ્રાપ્ત થતાં પોતાના આત્માના પરિણામથી જ, પોતે જ જાણે તે રીતે, કોઈ લોકો ન સમજી શકે તે રીતે એવો મોહનો નાશ કર્યો કે સંસારી વેશમાં જ સાધુનું લિંગ ન હોવા છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં લોકો દેખી શકે, લોકો સમજી શકે તેવો યોગીપણાનો બાહ્યાચાર નથી, પણ અંતરનો આત્મા જ ત્યાગી, વૈરાગી અને યોગી બન્યો છે. આત્મા જ સાક્ષી છે. માટે આવા પ્રકારના ધર્મથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. બાહ્યલિંગાદિ નથી છતાં મોહનો ક્ષય કર્યો તેથી આત્માની જ સાક્ષીવાળો ધર્મ તેઓમાં છે. આમ પરને (લોકને) જણાવવાની કંઈ જરૂર નથી. આત્માની સાક્ષી એ જ ધર્મ અને અધર્મમાં કારણ છે આ વાત સમજાવવા માટે ભરતમહારાજા અને પ્રસન્નચંદ્ર મુનિનું દૃષ્ટાન્ત કહ્યું છે. ભરત મહારાજાનું આ બીજું ઉદાહરણ સમજવું.
આ કારણથી આત્માની સાક્ષીએ જ ધર્મ કરવા જેવો છે. લોકયાત્રાથી આ જીવને કંઈ ફળ નથી. ઉલટું માનાદિ થતાં પતન થવાનો ભય છે. IIII