________________
૬૪૮ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર अणुसोअसुहो लोगो, पडिसोओ आसवो (आसमो) सुविहिआणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥
(દશવૈકાલિક ચૂલિકા ૨, ગાથા ર-૩) तेन मुनिर्लोकसञ्जानुयायी न स्यात् ॥३॥
વિવેચન - લોકસંજ્ઞા એટલે કે લોકોની નીતિ-રીતિ મુજબ વર્તવું, લોકો કહે તેમ ચાલવું, લોકોની ઈચ્છાને અનુસરવું, લોકો ખુશી વરસાવે તેવો વ્યવહાર કરવો. આ લોકસંજ્ઞા એ એક મોટી નદી છે. લોકપ્રવાહ રૂપ મહાનદીના પ્રવાહને અનુસરનારા કોણ નથી થયા? જેમ ઘાસ-લાકડાં કાગળ ઈત્યાદિ પદાર્થો જો મહાનદીમાં નાખવામાં આવે તો તે સર્વે પણ પદાર્થો નદીના પ્રવાહને અનુસારે જ ચાલે છે, તેમ સામાન્યથી સર્વે પણ જીવો લોકની નીતિરીતિને અનુસરે છે, કોઈ તેનો સામનો કરતું નથી. અનેક જીવો લોકસંજ્ઞારૂપી નદીના પ્રવાહને અનુસરનારા હોય છે.
પરંતુ પ્રતિશ્રોતે - સામે પ્રવાહે ચાલનાર એટલે કે પાણીનું પૂર ધસમસતું જે બાજુથી આવતું હોય તે પ્રવાહની સન્મુખ ચાલનાર તો જેમ એક રાજહંસ જ હોય છે તેમ એક મહામુનિ જ - ઉત્તમશ્રમણ જ લોકસંજ્ઞાના પ્રવાહની સામે ચાલનારા હોય છે. પાણીના પ્રવાહની સામે જેમ રાજહંસ ચાલે છે તેમ લોકસંજ્ઞાના પ્રવાહની સામે એક મહામુનિ જ ચાલે છે. સારાંશ કે લોકસંજ્ઞાની રૂઢિમાં ઘણા જીવો ખેંચાયેલા છે. લોકસંજ્ઞા વિષયાભિલાષવાળી છે અને વિષયાભિલાષી જીવો ઘણા છે. મોહને છોડીને વિષયાભિલાષ ત્યજીને રત્નત્રયીની સાધનામાં જ જે નિર્ગસ્થ મહામુનિ ઉદ્યમશીલ રહે છે. તે જ સાચા સ્વરૂપાનુયાયી છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે –
ચાલતા લોકપ્રવાહને અનુસરીને કાર્ય કરનારા ઘણા લોકો હોય છે. પરંતુ સંયમની રક્ષા અર્થે સામે પ્રવાહે ચાલવાનું બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા મુનિએ મુક્તિપ્રાપ્તિની કામના પૂર્વક પોતાના આત્માને સામા પ્રવાહે જ પ્રવર્તાવવો જોઈએ.
પ્રવાહને અનુસરવામાં સુખ માનનારો લોકસમૂહ હોય છે. સુવિહિત સાધુઓને તો ઈન્દ્રિયોના વિજયરૂપ સંયમનો આશ્રવ (અર્થાત્ સંયમનું આગમન) હોય છે. અથવા સુવિહિત સાધુઓને સંયમના આશ્રયરૂપ (આધારરૂપ) પ્રતિશ્રોતગમન હોય છે. લોકપ્રવાહને અનુસરવું તે સંસાર છે અને સામે પ્રવાહે ચાલવું તે સંસારને પાર ઉતારનારું તત્ત્વ છે.
આ પ્રમાણે મુનિમહારાજા લોકસંજ્ઞાને અનુસરનારા હોતા નથી. III