________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૩ વિવેચન : - હે આત્મા! જો તું કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધસુખ, અનંતચારિત્ર ઈત્યાદિ આત્મગુણો વડે પરિપૂર્ણ નથી, જો તારામાં આવા ગુણો પ્રગટ થયા નથી તો પછી આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. નિરર્થક એવી પોતાની પ્રશંસા કરવાથી શું લાભ થાય ? અર્થાત્ કંઈ જ લાભ ન થાય. કારણ કે જો આત્મા નિર્ગુણ છે તો પછી તેની પ્રશંસા કેમ હોય? નિર્ગુણ એવા આત્માની પ્રશંસા કેમ કરાય ?
પ્રશ્ન :- આત્માના પરિણામિકભાવે (સહજ સ્વભાવે) જે કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણો છે તે તો હાલ મારામાં પ્રગટ નથી, પરંતુ પુણ્યકર્મના ઉદયજન્ય શરીરનું રૂપાળાપણું, ધનવાનપણું, સૌભાગ્યપણું, લોકોમાં પ્રભાવકપણું, દાનાદિ આપવાપણું આવા આવા ઘણા ગુણો મારામાં છે. તો તે ગુણો મારામાં હોવાથી મારે મારી પ્રશંસા કરવી તે સફળ જ છે, ઉચિત જ છે. ગુણો છે અને ગાવા છે તેમાં ખોટું શું? માટે આવી આત્મપ્રશંસા નિષ્ફળ નથી.
ઉત્તર :- ઉપર રૂપાળાપણું વગેરે જે ગુણો કહ્યા તે આત્માના ગુણો જ નથી. પુણ્યોદય રૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે. તેની ઉપાધિથી જન્મેલા છે “તેને ગુણો કહેવાય” એમ મૂઢ મનુષ્યો સમજે છે. કારણ કે પુગલદ્રવ્ય એ આત્મદ્રવ્ય છે જ નહીં, પુગલના ગુણો તે આત્માના ગુણો કેમ કહેવાય? દૂધમાં નાખેલી સાકરથી દૂધ ગળ્યું લાગે પણ ગળપણ એ દૂધનો ગુણ કેમ કહેવાય? કારણ કે ગળપણ એ તો સાકરનો ગુણ છે, દૂધનો નથી. તત્ત્વ ન સમજનારા મૂઢ પુરુષો જ પરદ્રવ્યના ગુણોને પોતાના ગુણો કહે છે. પરંતુ પાડોશી ધનવાન થાય તેમાં આપણને શું લાભ? તેનું ધન તેને જ કામ આવે, આપણને નહીં, તેમ પુદ્ગલદ્રવ્યના ગુણો પુદ્ગલની શોભા વધારે, તેમાં આત્માને શું લાભ? માટે તે પરદ્રવ્યના ગુણો વડે પ્રશંસા કરવી તે વ્યાજબી નથી. ઉચિત નથી. તે આત્મા ! તું કંઈક સમજ. પુણ્યોદય એ તારું સ્વરૂપ નથી ઉપાધિ માત્ર જ છે.
હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ રૂપ આત્મતત્ત્વ સાધવાની સાધનાભૂત એવા આત્મગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે. ગુણો ઉપરનાં આવરણોનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિકભાવના સિદ્ધપરમાત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધ નિર્મળ નિરાવરણ એવા ગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે તો પછી વચન દ્વારા (ભાષામાત્ર વડે) બોલી બોલીને જાહેર કરવા રૂપ આત્મપ્રશંસા વડે શું કામ છે ? આવી આત્મપ્રશંસા વડે સર્યું. ઉત્પન્ન થયેલા આ ગુણો તેનો કાલ આવશે ત્યારે અવશ્ય સ્વયં જ જગતને પ્રગટ દેખાશે, ભાષા વડે બોલીને પ્રસિદ્ધ કરવાની શું જરૂર છે?