________________
૫૧૪ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર ભય, અંતે પોતાના જ કુટુંબમાં ધનની ખાતર ક્લેશ-કડવાશ અને મારામારી થાય તેના ભય, આમ એક સુખની પાછળ અનેક દુઃખોની પરંપરા લાગેલી હોય છે. એવી જ રીતે લગ્નનું ઘડીભરનું સુખ પણ અનેક બાળકોનો જન્મ, તેનો ઉચ્છેર, તેનું ભરણપોષણ, તેનો અભ્યાસ અને તેને પરણાવવા આદિની ચિંતા, આમ આ જીવ ઘણાં જ દુઃખોની પરંપરાથી દુઃખી દુઃખી થાય છે. તેથી સંસારનું કોઈપણ એક સુખ અનેક અનેક દુઃખો રૂપી અગ્નિથી દાઝેલું છે. તેથી રાખતુલ્ય છે. હે જીવ ! આવા પ્રકારના ઘણા ઘણા ભયો અને ઉપદ્રવો રૂપી અગ્નિથી દાઝેલા રખ્યાતુલ્ય એવા સાંસારિક સુખ વડે સર્યું. આવા ભયોથી ભરેલા સુખથી હે જીવ ! તને શું લાભ?
ચોર, ભાગીદાર અને રાજભય આદિ ભયો રૂપી અગ્નિથી દાઝેલા એવા ભવસુખ વડે એટલે કે પાંચ ઈન્દ્રિયજન્ય સુખ વડે અર્થાત્ માત્ર મનથી માની લીધેલા સાંસારિક સુખ વડે સર્યું. કારણ કે અસલી જાતિ વડે તે સુખ દુઃખરૂપ જ છે. તેથી “સો રૂપિયા કમાવાના અને એક હજાર રૂપિયા ખોવાના” એવા ન્યાયે ઘણા દુઃખોવાળા ક્ષણિક ભવસુખ વડે શું કામ છે? અર્થાત્ તેનાથી કંઈ જ ફાયદો નથી, દુઃખોની જ પરંપરા વધવાની છે.
પ્રશ્ન :- જો સંસારનું સુખ ઘણા દુઃખો અને ભયો રૂપી અગ્નિથી દાઝેલું છે. તે સુખથી જો કંઈ ફાયદો નથી તો એવું કયું સુખ છે કે જે સુખમાં ભય ન હોય, દુઃખ ન હોય અને કેવલ સુખનો જ અનુભવ થતો હોય.
ઉત્તર :- આત્મદ્રવ્યનો ગુણ જ્ઞાનમાત્ર જ છે અને તેના દ્વારા આત્મતત્ત્વને યથાર્થ રીતે જાણવું, જાણીને માણવું, તેનો યથાર્થ રીતે અનુભવ કરવો, એ રૂપ જે સુખ છે તે જ સુખ નિર્ભય છે. એટલે કે જ્ઞાનનું જે સુખ છે તે અત્યન્ત નિર્ભય છે. માટે અન્ય બીજાં સુખો કરતાં આ જ્ઞાનસંબંધી સુખ સર્વથી અધિક છે. સાંસારિક સુખ પરાધીન છે, સોપાધિક છે, અન્ત પામનાર છે અને અનેક વિડંબનાઓ આપનાર છે. જ્યારે જ્ઞાનગુણનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, અનન્તકાલ સુધી રહેનાર છે અને વિડંબનાઓથી રહિત છે. તેથી સાચા સુખનું સ્વરૂપ જ્ઞાનગુણમાં જ વર્તે છે. પૌદ્ગલિક જે સુખ છે તેમાં તો સુખાભાસમાત્ર જ છે, સુખ નથી, પણ સુખનો ભ્રમમાત્ર જ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
“પુગલજન્ય જે સુખ છે તે દુઃખ જ છે, પણ સુખ નથી. જેમ ઉનાળામાં તાપથી તપેલા માણસને માટીનો લેપ શરીરને મલીન કરનાર હોવા છતાં, માટીનો ભાર ઉંચકવાનો હોવા છતાં તે જીવને ક્ષણ માત્ર તે સુખ લાગે છે તેમ ઈન્દ્રિયજન્ય સુખ પણ વિડંબનાઓનું, જુગુપ્સાનું મૂલ છે. “અર્થાત્ સુખ નથી પણ દુઃખમાત્ર જ છે.”