________________
૫૧૦
નિર્ભયાષ્ટક - ૧૭
જ્ઞાનસાર
આ નિર્ભયતા શરીર-ધન-વૈભવ અને પરિવારાદિની સુરક્ષાનો હેતુ છે. માટે દ્રવ્યનિર્ભયતા અને કર્મોનો બંધ થવામાં કારણભૂત એવી વિભાવપરિણતિ વિનાનો જે જીવ તે ભાવનિર્ભય જાણવો. કારણ કે તેનાથી આત્માની અને આત્માના ગુણોની (ભાવધનની) સુરક્ષા થાય છે.
નવાં નવાં અને ચીકણાં કર્મો બંધાય એવો જે સંક્લિષ્ટ આત્મપરિણામ આવે છે તે પરિણામ આત્માના અનંત ગુણોની સત્તાને રોકી નાખે એવાં નવાં નવાં કર્મોને બંધાવનાર હોવાથી અને તે તે કર્મોનો ઉદયકાલ થાય ત્યારે આત્માના ગુણો વધારે વધારે આચ્છાદિત થતા હોવાથી આ સંક્લિષ્ટપરિણામ જ મહા-ભયસ્વરૂપ છે. જે મહાત્મા પુરુષો સંવરભાવના પરિણામમાં પરિણત થયેલા છે અને નવાં નવાં કર્મો વધારે બંધાય તેના હેતુભૂત કાષાયિક પરિણામોમાં જે વ્યાપ્ત બન્યા નથી, તેમાં જે રંગાયા નથી આવા મહાત્મા પુરુષોને ઉપરોક્ત તે સંક્લિષ્ટ પરિણામો સંભવતા નથી. તેથી તે ભાવથી નિર્ભય કહેવાય છે. હવે સાત નયોથી નિર્ભયતા સમજાવાય છે.
(૧) નૈગમનય :- આ નયની અપેક્ષાએ સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે સર્વે પણ દ્રવ્યો સદાકાલ પોતાના રૂપે જ રહે છે. ક્યારેય કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડીને પરદ્રવ્ય સ્વરૂપે થતું નથી તેથી તે તે દ્રવ્યોને કોઈ ભય નથી. જીવ ક્યારેય અજીવ થતો નથી અને અજીવ ક્યારેય જીવ થતો નથી, પછી ભય શા માટે ? માટે ઓધે ઓથે (સામાન્યથી) સર્વે દ્રવ્યો નિર્ભય છે.
(૨) સંગ્રહનય :- સર્વે પણ વસ્તુઓની જે સત્તા છે (સદ્અંશ છે) તે સત્તા સદા
હોવાથી સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે વાસ્તવિક રીતિએ સર્વે પણ પદાર્થોની સત્તા ત્રૈકાલિક ધ્રુવ છે. સર્વકાલે અવિનાશી છે. તે સત્તાનો ક્યારેય વિનાશ થવાનો નથી. પછી ભય શા માટે ?
(૩) વ્યવહારનય :- પૂર્વકાલમાં બાંધેલાં કર્મો જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે સુખ-દુઃખ આદિ ભાવો તે તે કર્મો આપે છે. તેમાં ન લેપાનારા અને ધીર રહેનારા જીવને નિર્ભય કહેવાય છે. આ નિર્ભયતા લોકભોગ્ય છે માટે વ્યવહારનય, જેમકે શ્રેણિક મહારાજા પુણ્યોદયજન્ય રાજ્યવૈભવ ભોગવવાના કાલે અને કોશિક દ્વારા કરાયેલા પાપોદયજન્ય કારાવાસના દુ:ખકાલે પણ ક્ષાયિકસમ્યક્ત્વી હોવાથી નિર્ભય હતા.
(૪) ઋજુસૂત્રનય :- જે જીવોએ નવવિધ બાહ્ય-પરિગ્રહ ત્યજ્યો છે અને તેના સંબંધી રાગ-દ્વેષની ગાંઠ ત્યજીને નિર્પ્રન્થ બન્યા છે તેવા નિર્પ્રન્થ મુનિઓ બાહ્ય ઉપાધિઓમાં રંગાયેલા ન હોવાથી નિર્ભય છે. અહીં વર્તમાનકાલીન જીવનની પ્રધાનતા છે માટે આ ઋજુસૂત્ર નય જાણવો.