________________
જ્ઞાનમંજરી
માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૦૯
પુરુષ થયો. વાર્તા આટલી જ છે. પરંતુ સંજીવની ઔષધિ દ્વારા પશુમાંથી આ જીવ પુરુષ થયો આટલી વાત મહત્ત્વની છે.
પૂજ્ય દેવચંદ્રજી મહારાજશ્રીની રચેલી આ જ્ઞાનમંજરી ટીકામાં યથા શપુરુષ: આમ લખ્યું છે. કોઈક પુરુષ (ગોવાળ) સંજીવનીને નહીં જાણતો હોવા છતાં પણ પશુને ઘાસચારો ચરાવતો ચરાવતો સંજીવની ઔષધિ આવી જવાથી પશુપણાનો ત્યાગ કરીને ચક્ષુથી ઉદ્યોત કરનારો પુરુષ થયો. તે “સંજીવનીચાર” (સંજીવની ઔષધ ચરાવવા) સ્વરૂપ ઉદાહરણ જાણવું. તેવી જ રીતે આ ન્યાયને અનુસાર જે આત્મા ચારિત્રપાલનાદિમાં ઘણો મંદ છે. તેથી જ તેમાં અતિશય મંદપ્રયત્નવાળો છે. જેથી પશુતુલ્ય છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રો નિરંતર સાંભળવાથી અને અધ્યાત્મી પુરુષોના સંસર્ગથી અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન અને તજ્જન્ય સંવેગ-વૈરાગ્યયુક્ત ભેદજ્ઞાનરૂપી સંજીવની ઔષધિ ઉદરમાં જવાથી અધ્યાત્મભાવનાથી યુક્ત એવા સમભાવે પરિણત થયો છતો પોતાના આત્મામાં અનાદિકાલથી તત્ત્વના અજાણરૂપ જે પશુપણું હતું. તેને છોડીને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થવી તે રૂપ “ચતુરપણું અને ભેદજ્ઞાન પ્રગટ થવા સ્વરૂપ” જ્ઞાનરૂપી ચક્ષુથી જોવાપણું = અર્થાત્ વાસ્તવિક મનુષ્યપણું પામ્યો.
આ આત્મા તત્ત્વજ્ઞાન વિનાનો હોવાથી અનાદિકાલથી પશુપણાને પામેલો હતો. અધ્યાત્મી પુરુષોના સમાગમથી અને અધ્યાત્મ શાસ્ત્રોના અભ્યાસથી ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન રૂપી સંજીવનીનું પાન કરવાથી પશુપણું (અજ્ઞાનીપણું) ત્યજીને સમ્યજ્ઞાની મનુષ્ય બન્યો. આમ ઉપમા ઘટાડવી. આ રીતે વિચારતાં જે કોઈ ધર્મ-અનુષ્ઠાનનું આચરણ કરવા રૂપે સાધનનું સેવન કરાય પણ જો તે સાધ્યની અપેક્ષાવાળું હોય તો તે સાધન હિતકારી છે અને સાધ્યથી શૂન્ય હોય તો બાલચેષ્ટા તુલ્ય છે, અર્થાત્ નિષ્ફળ છે. માટે કાષાયિક પરિણામ ત્યજીને મધ્યસ્થવૃત્તિ ધારણ કરીને સાધનાનો વ્યવહાર કરવો ઉચિત છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ શ્રી વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે -
तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥
(વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧/૮) હે પ્રભુ ! તો પણ શ્રદ્ધાથી અંજાયેલો એવો હું આપની સ્તુતિ કરતાં કરતાં કદાચ ખલના પામું તો પણ ઉપાલંભને યોગ્ય નથી. કારણ કે વાત્સલ્યમૂર્તિ એવા બાળકની ત્રુટકત્રુટક પણ વાણી તેના પ્રત્યેની પ્રીતિવાળાને શોભા આપે છે.