________________
૪૪૨ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર અવશ્ય છે. તેને અનુસરનારા સર્વે શુદ્ધ ધર્મોનું પરિણમન આ આત્મામાં થાય છે. તેને જ પ્રધાનપણે સ્વીકારનારો જે નય તે પરમભાવગ્રાહકનય કહેવાય છે. જે નય અશુદ્ધ ભાવોને કર્મોદયજન્ય હોવાથી જીવના પોતાના નથી માટે ગૌણ કરે છે અને શુદ્ધ ભાવો ક્ષાયિકભાવના અને પારિણામિક ભાવના હોવાથી મુખ્ય કરે છે. તે નયને પરમભાવગ્રાહકનય કહેવાય છે.
તે નયની અપેક્ષાએ આત્મામાં સંભવતા એટલે કે ઉત્સર્ગ રીતે શુદ્ધ નયે જણાવેલા એવા “નિત્યાનિત્ય, ભેદભેદ, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ ઈત્યાદિ અનંતની સંખ્યાવાળા પરમ ભાવોને જે આત્મા સમજતો નથી, સ્વીકારતો નથી, મિથ્યાત્વ મોહના ઉદયથી આત્માના શુદ્ધકર્તૃત્વ, ભોજ્જત્વાદિ ભાવોને તથા સ્યાદ્વાદ શૈલીવાળા ધર્મોને જે આત્મા જાણતો નથી, તે આત્મા વિવેકરૂપી પર્વત ઉપરથી પડે છે, એટલે કે શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન અને શુદ્ધ આત્મતત્ત્વની અંદરની રમણતા રૂપી જે પર્વત છે તે ઉપર આ આત્મા આરૂઢ થયો હતો ત્યાંથી પતન પામે છે. વિવેકશૂન્ય બને છે. જે આત્મા આત્મતત્ત્વને સમજતો નથી, આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણતો નથી. આત્માના શુદ્ધ ધર્મોને જાણતો નથી. તે આત્મા ભૂતકાળમાં વિવેકદશા પામ્યો હોય તો પણ તે પર્વત ઉપરથી પડી જાય છે. માટે વિવેકી બનવું જોઈએ અને વિવેકમાં જ વર્તવું જોઈએ.
પોતાના આત્મામાં જ તાદાસ્યભાવે (અભેદભાવ) રહેલો એવો અને સર્વથા શુદ્ધ એવો (સર્વથા કર્મ-કલંકથી મુક્ત એવો) જે આત્મસ્વભાવ છે તેને જે આત્મા સ્યાદ્વાદના ઉપયોગપૂર્વક ઈચ્છે છે. અનેકાન્ત શૈલિથી સાપેક્ષ રીતે સમજે છે, સ્વીકારે છે અને “આવા પ્રકારનું નિર્મળ, શુદ્ધ ચૈતન્ય જ મારા માટે ઉપાદેય-તત્ત્વ છે. તેની જ પ્રાપ્તિના ઉપાયમાં જે જોડાય છે તે આત્મા આવા પ્રકારના અજ્ઞાનમાં અને અવિરતિભાવમાં એટલે કે અવિવેક દશામાં ડુબતા નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી બાહ્ય સંપત્તિમાં રાજી રાજી થતા નથી તેમાં લપાતા નથી અને પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી દુઃખસંપત્તિમાં હતાશા કે ખેદ પામતા નથી. પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી ઉદાસીન (મધ્યસ્થ) સ્વભાવવાળા થઈને જ રહે છે. ઉત્તમ આત્માઓ સુખમાં ગર્વિષ્ટ અને દુઃખમાં હતાશ થતા નથી. કારણ કે પરને પોતાનું માનવું તે આત્માનું સ્વરૂપ જ નથી. પણ અવિવેક જ છે.
આત્માના શુદ્ધ નિરાવરણ સ્વરૂપમાં જ એકતાનો અનુભવ કરવામાં જે પ્રવૃત્તિશીલ આત્મા છે તે “પરભાવદશાને” ચૂરી નાખવામાં ચક્રવર્તી તુલ્ય છે. આ રીતે સમસ્ત એવા પરભાવદશાના તોફાનનો નાશ કરવામાં જ પટુ થવા દ્વારા શુદ્ધ એવા આત્મતત્ત્વને જાણવામાં, તેની જ શ્રદ્ધા કરવામાં અને તેની જ રમણતા કરવામાં આ જીવે વધારેમાં વધારે પ્રયત્નશીલ