________________
૪૩૨ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર હોય છે કે જે દૂધ અને પાણીને ભિન્ન કરે છે. તેની ચાંચમાં એવી શક્તિ હોય છે કે તે દૂધ-દૂધ પી જાય છે અને પાણી-પાણીને ત્યજી દે છે. તેની જેમ જે મહાત્મા મુનિ નીચે જણાવાતાં લક્ષણાદિ ભેદો દ્વારા આ બન્ને દ્રવ્યને પ્રથમ જુદાં જુદાં સમજે છે અને ત્યારબાદ આરાધના તથા સાધના વડે બન્નેને અલગ અલગ કરે છે તે જ મુનિ હંસની તુલ્ય વિવેકવાળા છે અર્થાત્ સાચા ભેદજ્ઞાની છે. બન્ને દ્રવ્યને વાસ્તવિક ભિન્ન સમજીને પ્રયત્નવિશેષથી ભિન્ન કરનારા છે.
(૧) જીવદ્રવ્ય અનાદિકાલથી છે અને અનંતકાલ રહેનાર છે તેથી નિત્ય છે. જ્યારે શરીર, કર્મ અને અલંકાર-વસ્ત્રાદિ પુદ્ગલોના સમાગમો આજે હોય કાલે ન હોય, એક દશકો સુખનો, બીજો દશકો દુઃખનો અને સદા રહે તો એક ભવ સુધી જ, પછી નહીં. બીજા ભવમાં આ જીવને ફરીથી નવી પુદ્ગલસામગ્રી લેવી પડે. માટે પુદ્ગલના સમાગમો મેઘઘટાની જેમ, વિજળીના ચમકારાની જેમ, પત્તાના મહેલની જેમ અનિત્ય છે, નાશવંત છે.
(૨) જીવ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે એટલે અમૂર્ત છે, અરૂપી છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો વર્ણાદિવાળાં છે, મૂર્ત છે, રૂપી છે.
(૩) જીવ અચલિત દ્રવ્ય છે અને પુદ્ગલો ચલિત દ્રવ્ય છે. નવા નવા ભવો પામવા છતાં જીવદ્રવ્ય તેનું તે જ રહે છે. તેનું જીવપણાનું સ્વરૂપ ચલિત થતું નથી, જ્યારે પુદ્ગલો વર્ણાદિના પરિવર્તનવાળાં છે. આજે સુરૂપ હોય, કાલે કુરૂપ હોય, આજે સુગંધી, સુમધુર અને ઈષ્ટ હોય, કાલે તે જ પુદ્ગલો દુર્ગધી, કડવાં અને અનિષ્ટ થઈ જાય. સવારે બનાવેલી રસોઈ મનોહર લાગે. ચાર-છ કલાક પછી એ જ રસોઈ ન ગમે તેવી લાગે અને કાળાન્તરે દુર્ગન્ધાદિ ભાવવાળી બને, ચલિત રસવાળી થઈ જાય.
(૪) જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંત અનંત ગુણોમય ચેતનાલક્ષણવાળો છે. જ્યારે પુદ્ગલો ચેતનાલક્ષણથી સર્વથા રહિત-અચેતન છે, જડ છે. જીવના કોઈ પણ ગુણો તેમાં નથી અને પુદ્ગલના કોઈપણ ગુણો જીવમાં નથી.
(૫) આ જીવ વાસ્તવિકપણે (નિશ્ચયનયથી) પોતાના સ્વરૂપનો જ કર્તા છે, પોતાના સ્વરૂપનો જ ભોક્તા છે. પોતાના સ્વરૂપમાં જ રમણતા કરનારો છે અને ભવથી એટલે આ સંસારથી ઉદ્વેગ પામેલો-ઉદાસીન સ્વભાવવાળો છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો કર્તુત્વ-ભોક્નત્વરમણત્વ ઈત્યાદિ ધર્મોથી સર્વથા રહિત છે.
આ પ્રમાણે પાંચ પ્રકારે ભેદ સમજાવ્યો. પરંતુ આવા આવા અનેક પ્રકારો દ્વારા આત્માનો અને કર્માદિ પુદ્ગલદ્રવ્યનો વાસ્તવિક ભેદ છે. તે ભેદને બરાબર હૃદયપૂર્વક