________________
૩૮) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પણ આત્મસુખને જાણ્યું નથી અને પૌદ્ગલિક સુખોમાં જ આ જીવ ગરકાવ હોવાથી જેમ ઉનાળાના તાપથી વ્યાપ્ત મનુષ્ય ઠંડક માટે શરીરે ચારે બાજુ માટીનો લેપ કરે તેની જેમ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિના કારણે કર્મપુદ્ગલો વડે આ જીવ અવગુંઠિત થયેલો છે. એટલે કે કર્મોથી લેપાયેલો છે. મોહના ઉદયના કારણે પદ્ગલિક સુખોમાં જ રાગાધ બન્યો હોવાથી આત્મતત્વની સાચી શ્રદ્ધા, આત્મતત્ત્વનું સાચું જ્ઞાન અને આત્મતત્વની આચરણાના અનુભવનો એક લવમાત્ર પણ પ્રાપ્ત કરાયો નથી. આત્મા તરફની દૃષ્ટિ ક્યારેય જાગી જ નથી. કદાચ ક્યારેક ક્યારેક ધર્મનું આચરણ આચર્યું હશે તો પણ “આ ભવમાં કંઈક દાનપુણ્ય કર્યું હશે તો ભવાન્તરમાં દશ ગણું મળશે” ઈત્યાદિ રીતે મોહમયી દૃષ્ટિથી ભૌતિક સુખમાં સુખબુદ્ધિ રાખીને જ તે આચરણ કરેલું છે. ધર્મ કરવામાં પણ ભોગબુદ્ધિ જ આ જીવની રહેલી છે. તથા ધર્મ ન કરે ત્યારે પણ કેવળ ધન કમાવું, પરિવારનું પોષણ કરવું, સમાજમાં માન-મોભો મેળવવો, સારી ગાડી, બંગલો વસાવવો ઈત્યાદિનું જ ધ્યાન સતત રહ્યું છે. આત્મા કે આત્માના ગુણોની તો ક્યારેય સ્મૃતિ જાગૃત થઈ જ નથી. તેથી જ અનંત સંસારમાં આ જીવ ભટકે છે.
પરંતુ તથાભવ્યતાનો કાલ પાકવા રૂપ અત્યંતર કારણ મળવાથી અને નિસર્ગ અથવા અધિગમ આદિ બાહ્ય કારણો મળવાથી “મારો આ જીવ અનાદિ અનંત છે, અનંત અનંત જ્ઞાનાદિ ગુણાત્મક પર્યાયવાળો છે, મૂલસ્વરૂપે અલિપ્ત છે. મૂલસ્વરૂપે અમૂર્ત સ્વભાવવાળો છે” આ વાત આ જીવને સમજાય છે અને નિરંતર ગુરુગમથી, સત્સંગથી, સન્શાસ્ત્રથી અને સતત વાચના-શ્રવણથી તથા નિરંતર સાચા અભ્યાસથી મનમાં આવો પાકો નિર્ણય આ જીવ કરે છે કે “હું જ સાધ્ય છું, હું જ સાધક છું, હું જ સિદ્ધ છું, જ્ઞાન-દર્શનાદિ અનંતગુણોવાળો પણ હું જ છું, મારું સ્વરૂપ હાલ હું વર્તુ છું તેનાથી ઘણું ભિન્ન છે. હું માર્ગ ભૂલ્યો છું, પૌદ્ગલિક સુખ એ સુખ છે એમ મેં માન્યું છે પણ તે મારું સાચું સ્વરૂપ નથી, પણ અનંત આત્મગુણો એ મારું સ્વરૂપ છે, ભૌતિક સુખ એ તો એક બંધન છે.” આવા પ્રકારની આત્મતત્ત્વની કંઈક ઝાંખી થાય છે અને રુચિ પ્રગટે છે. તત્ત્વજ્ઞાન થાય છે અને તેની જ આચરણા કરવાનો તીવ્રભાવ જાગે છે. આમ આ જીવનો આવો જ વળાંક (યુ ટન) થાય છે. તે જ યથાર્થ મુનિસ્વરૂપ છે. યોગશાસ્ત્રમાં પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કહે છે કે –
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तद् ज्ञानं तच्च दर्शनम् ॥२॥
(યોગશાસ્ત્રપ્રકાશ-૪, શ્લોક-૨)