________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૫
મોહનીયકર્મના ઉદયનો ક્ષય થયેલો ન હોવાથી તેના ઉદયથી વિઘ્નો આવવાનો સંભવ છે. તે વિઘ્નોના નિવારણ માટે આવા પ્રકારની આત્મસાધના કરનારા સાધક આત્માને ખેતરની વાડની જેમ સુરક્ષા કરનારી આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી છે.
આત્મ-સ્વભાવનો અનુભવ જેણે પ્રાપ્ત કર્યો છે અને આવા પ્રકારની સ્વભાવદશામાંથી જે ‘“અપ્રવ્રુત” = પડવાના જ નથી એવા પ્રકારના આત્માને કે જે વિશિષ્ઠ ધ્યાનમાં આરૂઢ થયેલા છે તેવા આત્માને હવે આ આવશ્યક ક્રિયા જરૂરી નથી. જો તે આવી ક્રિયામાં જોડાય તો તે ક્રિયા પોતે સ્વીકારેલી ધ્યાનદશામાં વિઘ્ન કરનારી એટલે કે વિઘાત કરનારી બને છે. એક કાલે (પ્રાથમિક કાલે) જે આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી હતી તે જ આવશ્યક ક્રિયા ઉપલી દશા આવે ત્યારે વિઘ્ન કરનારી-નુકશાન કરનારી-વિઘાત કરનારી બને છે. આગમમાં પણ કહ્યું છે કે પહેલાં જે અમૃતના કુંભની ઉપમાવાળું હોય છે તે જ ઉપરના કાલે વિષના કુંભની ઉપમાવાળું બને છે. જેમ એક ગામથી બીજે ગામ જતાં વાહન એ સાધન હોવાથી સ્વીકારવાનું હોય છે તે જ વાહન તે ગામ આવી ગયા પછી ઉપર-ઉપરના માળ પર ચઢતાં છોડી જ દેવાનું હોય છે, તેમ અહીં સમજવું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
-
જે આવશ્યક ક્રિયા આદિ સારામાં સારી ધર્મક્રિયા છે. તે આત્માની વિશુદ્ધિ માટે જરૂરી છે. પરંતુ તે ધર્મક્રિયા એ આત્મધર્મ નથી, આત્માનું સ્વરૂપ નથી, શુભ એવી યોગક્રિયા છે. તેથી પુણ્યબંધનો હેતુ છે. દોષો લાગે છે. ત્યાં સુધી ક્ષમાયાચના દ્વારા નિર્જરા અને સંવરનો હેતુ છે. માટે કર્તવ્ય છે. પણ વિશુદ્ધિ આવી જાય પછી તે છોડી દેવા જેવી છે. લાકડીનો ટેકો પગ સાજા ન થાય ત્યાં સુધી ઉપકારી છે, પણ પગ સાજા થયા પછી તે જ લાકડીનો ટેકો બોજારૂપ છે. તેની જેમ આ ધર્મક્રિયા પૂર્વકાલમાં (સાધક અવસ્થામાં) હિતકારી છે. તે જ ધર્મક્રિયા પછીના કાલમાં (ધ્યાનસ્થાવસ્થા આવે ત્યારે) અહિતકારી છે. જેમ નિસીહિ આદિ ત્રિકો આ જીવમાં પાપાનુષ્ઠાનોનો સંભવ છે ત્યાં સુધી તેના નિવારણ માટે જરૂરી છે. પરંતુ જ્યારે આ આત્મા બહિર્ભાવમાં ન જ જાય અને અંતરાત્મભાવ કે પરમાત્મભાવમાં પ્રવેશી ચૂક્યો હોય છે ત્યારે પાપાનુષ્ઠાન સેવવાનો સંભવ જ નથી. તેથી તે કાલે નિસીહિ આદિ ત્રિકોનું સેવન જરૂરી નથી.
આ કારણથી આત્માના સ્વરૂપની સાથે એકતા કરવી, સ્વભાવદશામાં જ લયલીન થવું, વિભાવદશાનો ત્યાગ કરવો, પ્રગટ થયેલી ચેતનાશક્તિને અને વીર્યાદિ શક્તિને સ્વભાવદશામાં જ જોડવી એ જ એક હિતકારી-કલ્યાણકારી માર્ગ છે. ૪