________________
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૭
પુદ્ગલનું ગ્રહણ-મોચન કરવું તે મારું કાર્ય જ નથી. જેમ સિદ્ધપરમાત્માનો આત્મા પણ આત્મા જ છે તે કંઈ કર્મ પુદ્ગલો ગ્રહણ કરતો પણ નથી અને કર્મપુદ્ગલો (છે જ નહીં માટે) છોડતો પણ નથી જ. એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો ગ્રહણ કરવાં અને મુકવાં તે મારા આત્માનું કાર્ય જ નથી. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણવાળાં પુદ્ગલદ્રવ્યોનું ગ્રહણ કરવું અને તેની સાથે બંધાવું (તન્મય થવું) તેનો કર્તા-ભોક્તા હું નથી. મારું આ સ્વરૂપ જ નથી.
જ્ઞાનમંજરી
પૂર્વે કહેલાં એટલે વર્ણાદિ ગુણવાળાં કાર્યણવર્ગણા રૂપ દ્રવ્યકર્મ તથા મન વચન અને કાયારૂપ નોકદિ પુદ્ગલદ્રવ્યોનો બીજી વ્યક્તિ પાસે કરાવનાર પણ હું નથી. કારણ કે મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈ એવો સંબંધ જ નથી કે હું પર વ્યક્તિ પાસે તેનું ગ્રહણમોચન કરાવું ? હું કર્મોથી ભિન્ન પદાર્થ છું માટે કારયિતા પણ મારું સ્વરૂપ નથી.
કોઈ વ્યક્તિ પોતાના ભાવે પુદ્ગલદ્રવ્યોને સારા વર્ણરૂપે, સારા ગંધરૂપે, સારા રસરૂપે અને સારા સ્પર્શરૂપે પરિણમાવે અથવા પુદ્ગલદ્રવ્ય પોતે જ પોતાના પારિણામિક સ્વભાવથી સોનારૂપે-હીરા-માણેક-મોતી રૂપે પરિણામ પામે તો હું “આ બહુ સુંદર છે, આ બહુ સારું છે” એમ તે શુભ પુદ્ગલોની અનુમોદના કરવાના સ્વભાવવાળો પણ નથી. જેમ કોઈ પરપુરુષની પત્ની રૂપવતી હોય, અલંકારાદિથી સુશોભિત હોય, તો પણ તે પરપદાર્થ હોવાથી તેની મનમાં પણ કરાતી અનુમોદના આત્માના વિકાર-વાસનાનો હેતુ હોવાથી શોભાસ્પદ નથી. તેમ આ પુદ્ગલદ્રવ્યો મારા આત્માથી પરપદાર્થો છે. તેથી તેના શુભ વર્ણાદિની અનુમોદના પણ મારા આત્મા માટે ખતરનાક છે. તે મારું સ્વરૂપ જ નથી તેથી હું તેની અનુમોદના કરનાર પણ નથી.
હું તો નિશ્ચયનયની દૃષ્ટિએ સિદ્ધપરમાત્માના આત્માની જેમ આઠે વર્ગણાના સર્વે પણ પુદ્ગલદ્રવ્યોનો ત્રણે કાળે અગ્રાહક-અભોક્તા અને અકારક છું, તે દ્રવ્યોથી અત્યન્ત ભિન્ન દ્રવ્ય છું. મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈપણ જાતનો સંબંધ નથી આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો જે આત્મા છે તે કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ તે આત્મા કર્મોથી લેપાતો નથી.
જે આત્માની ચેતના પુદ્ગલદ્રવ્યોના સુખ-દુઃખને અનુસરનારી હોય છે. પુદ્ગલના શુભભાવોને જોઈને ચેતના રાગાદિવાળી થતી હોય અને પુદ્ગલના અશુભ ભાવોને જોઈને ચેતના દ્વેષાદિ ભાવવાળી થતી હોય તે જ આત્માઓ તેવા પ્રકારની પુદ્ગલાનુયાયી બનેલી અને રાગાદિથી કલુષિત ભાવવાળી થયેલી ચેતના વડે કર્મનો લેપ કરે છે. પરંતુ જે