________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૧૩
ज्ञानतृप्तस्य स्वात्मतत्त्वावबोपूर्णस्य ध्यानं - तत्त्वैकत्वम्, तदेव सुधा-अमृतं तस्य उद्गारः तस्य परम्परा श्रेणिर्भवेत् निरामय-निर्मलपरमात्मानुभवः तृप्तेः लक्षणमेतत् तत्त्वभावना-तत्त्वज्ञान-तत्त्वध्यानामृतोद्गारपरम्परावृद्धिः ॥७॥
વિવેચન :- આ સંસારમાં જીવો બે પ્રકારના હોય છે. એક પુદ્ગલાનંદી કે જેને બહિરાત્મા કહેવાય છે. પુદ્ગલની સાથેના ભોગસુખો જ માણનારા અને તેમાં જ સુખ છે આવી બુદ્ધિવાળા, અને બીજા આત્માનંદી કે જેને અંતરાત્મા કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોમાં જ આનંદ માનનારા અને તેમાં જ સુખ-બુદ્ધિવાળા. આ બન્ને પ્રકારના જીવોમાં જે પુદ્ગલાનંદી જીવો છે તે આત્માના સ્વરૂપનો જે પારમાર્થિક આનંદ છે તેનાથી રહિત છે. આ જીવોએ ગુણોના આનંદનો સ્વાદ ક્યારેય ચાખ્યો જ નથી. તેથી જ અંગરાગ (શરીરની ટાપટીપ કરવી, શોભા કરવી) અને અંગનાનું આલિંગન કરવું (સ્ત્રી સાથેના ભોગના વ્યવહારો કરવા) ઈત્યાદિ પાંચ ઈન્દ્રિયોની સાથેના પૌદ્ગલિક સુખો માણવા રૂપ વિષયોના તરંગો રૂપી વિષ જ તેમના મનમાં અને વચનમાં ચાલતું હોય છે.
મનમાં વિચારો પણ વિષયોના જ અને લોકોની સાથેની વાતચીતમાં પણ
વિષયસુખોની જ વાતો કરતા આ જીવો પોતાનો સમય તેમાં જ ગાળે છે. જેણે વિષ પીધું હોય તેને વિષના જ ઓડકાર આવે છે તેમ આ જીવોને ભોગસુખોમાં જ પ્રીતિ હોય છે તેથી નિરંતર પુદ્ગલના જ સુખ-દુઃખની વાતો કરવા સ્વરૂપ વિષયોના તરંગો રૂપી વિષના જ ઓડકારો ચાલુ હોય છે. તેનાથી તે ક્યારેય ધરાતા નથી, તૃપ્ત થતા નથી. નાના ઘરમાંથી મોટું ઘર બનાવે, થોડા દાગીનામાંથી ઘણા દાગીના બનાવે. સામાન્ય જીવનમાંથી રાજાપણું ઈચ્છે, રાજાપણામાંથી ચક્રવર્તીપણું ઈચ્છે અને ચક્રવર્તીપણામાંથી ઈન્દ્રપણું ઈચ્છે. આમ સદા ભોગસુખોથી અતૃપ્ત એવા આ જીવો પૌદ્ગલિક પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોના કલ્લોલોની અભિલાષા કરવા રૂપી વિષ ઓકનારા-માઠા ઓડકારો વાળા હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
“જેમ જેમ પૌદ્ગલિક સુખનો ભોગ થાય છે તેમ તેમ વિષયોની વાસના અને તેના અંગેના કષાયો અવશ્ય વધે જ છે. માટે જ ઈન્દ્રિયોનાં સુખો દુઃખરૂપ જ છે તેથી વૈરાગી આત્માઓને તે સુખો અગ્રાહ્ય છે. અર્થાત્ ત્યાજ્ય છે.’’
હવે જે આત્માઓ આત્માનંદી છે, અંતરાત્મમય છે, જ્ઞાનાદિ ગુણોના જ રસિયા છે, પોતાના આત્મતત્ત્વના અવબોધથી પરિપૂર્ણ રીતે જે ભરપૂર છે તેવા આત્માઓને જ્યારે જુઓ ત્યારે ધ્યાનરૂપી (તત્ત્વની સાથેની એકતારૂપી) અમૃતના ઓડકારની પરંપરા હોય છે.