________________
જ્ઞાનમંજરી તૃત્યષ્ટક - ૧૦
૨૯૯ સાંસારિક અને ઉપાધિભૂત એવાં પુદ્ગલો દ્વારા પ્રાપ્ત થતાં સુખ અને દુઃખો સ્વરૂપ જે વિભાવદશા (મોહાલ્પતા) છે. તેનાથી ભાવિત છે આત્મા જેનો એવા આત્માને એટલે કે અનાદિકાળથી લાગેલાં મિથ્યાત્વ, અજ્ઞાનતા અને અસલ્કિયાજન્ય રાગ અને દ્વેષમાં જ આસક્ત બનેલા જીવને (મોહાન્ધદૃષ્ટિવાળા જીવને) સમસ્ત જગતના જીવોએ વારંવાર ભોગવી ભોગવીને ત્યજેલાં-જગતની એંઠ તુલ્ય અને તેથી જ ભોગવવાને માટે અયોગ્ય એવા પદાર્થોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના જ અનુભવમાં મગ્ન બનીને જે તૃપ્તિ થાય છે તે તૃપ્તિ આરોપિત તૃપ્તિ છે, કલ્પિત છે, ભ્રમસ્વરૂપ છે. તે તૃપ્તિ સાચી તૃપ્તિ નથી. કારણ કે પુદ્ગલસંબંધી સુખ પ્રાપ્ત થવા છતાં પણ તે સુખ તૃષ્ણાને જ વધારે છે. તેથી તે સાચી તૃપ્તિ નથી. પરંતુ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક જે શુદ્ધ તત્ત્વ છે તેના આનંદના ઉપભોગ વડે જે તૃપ્તિ થાય છે તે જ સાચી તૃપ્તિ છે. સદા રહેનારી છે. પરાધીન નથી. ગુણસંબંધી તૃપ્તિ છે. માટે આ જ સાચી તૃપ્તિ છે.
ભોગસુખોથી થતી તૃપ્તિ તૃષ્ણા વધારનારી છે. આ કારણથી જ સંતપુરુષો વિજળીની જેવા ક્ષણભંગુર એવા સ્ત્રીની સાથેના ભોગવિલાસોનો ત્યાગ કરે છે. ઉદયમાં આવેલા પુણ્યના વિપાકોને (સુખોને) “આ તો બંધનો જ વધ્યાં છે” એમ સમજીને નિંદે છે. ભોગસુખોની આસક્તિના સંગવાળા જે જે પુરુષો છે તેઓનો સંગ (તેઓનો પરિચય) ત્યજી દે છે. શરીર ઉપરના રાગને (મોહને તથા સજાવટને) છોડી દે છે. સ્વાધ્યાય કરવા દ્વારા તથા જૈન આગમશાસ્ત્રોનું અધ્યયન કરવા દ્વારા તત્ત્વશ્રવણમાં, તત્ત્વના મનનમાં, તત્ત્વના નિદિધ્યાસનમાં (સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતનમાં) અને તત્ત્વના વારંવાર પરિશીલનમાં જ રહે છે. (આવા જ્ઞાનધ્યાનમાં જ પ્રવેશે છે) અને આવી ત્યાગ, તપ અને જ્ઞાન-ધ્યાનવાળી પરમ અવસ્થાને જ ધન્ય ધન્ય માને છે. આ આત્માની અંતરાત્મદશા પ્રાપ્ત કરવા દ્વારા મેળવવા લાયક એવી પરમાત્મ દશાને જ ધન્ય ધન્ય માને છે. સંસારિભાવો સ્મરણમાં પણ લાવતા નથી. /૧/
पुनरपि नित्यां तृप्तिं व्याख्यातुमाहફરીથી સદા રહેનારી નિત્ય તૃપ્તિને સમજાવતાં કહે છે - स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । ज्ञानिनो विषयैः किं तै र्यै भवेत्तृप्तिरित्वरी ॥२॥
ગાથાર્થ :- પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ જ્ઞાની પુરુષને યાવચંદ્રદિવાકર રહેવા વાળી અવિનાશી તૃપ્તિ થાય છે તો પછી જે વિષયો વડે અલ્પકાળ પૂરતી તૃપ્તિ થાય છે તેવા વિષયોની શું જરૂર છે? અર્થાત્ જ્ઞાનીને વિષયોથી જન્ય તૃપ્તિ હોતી નથી.