________________
૨૯૪ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તૃપ્તિના (૧) જ્ઞશરીર (૨) ભવ્યશરીર (૩) તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ છે. જેણે તૃપ્તિપદનો અર્થ જાણ્યો હતો પણ વર્તમાનકાલે ભૂલાઈ ગયો છે અથવા તે આત્મા મૃત્યુ પામવાથી જ્ઞાન ચાલ્યું ગયું છે જેનું એવું જીવ વિનાનું જે શરીર તે ભૂતકાળમાં જ્ઞાનવાળું હતું. માટે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, એવી જ રીતે આજે જે બાલમુનિ છે પણ ભવિષ્યમાં તૃપ્તિનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, હવે ત્રીજો ભેદ જે તવ્યતિરિક્તદ્રવ્યતૃપ્તિ છે તે સમજાવાય છે. જે ભૌતિક પુદ્ગલદ્રવ્યો છે જેમકે આહાર-ધન અને ઉપકરણાદિ, તે પ્રાપ્ત થઈ જવાથી તેનાથી થયેલી જે તૃપ્તિ તે તવ્યતિરિક્ત દ્રવ્યતૃપ્તિ જાણવી. ધનાદિ બાહ્ય સામગ્રીથી જે તૃપ્તિ થવી તે તદ્ગતિરિક્ત તૃપ્તિ.
ભાવથી તૃપ્તિ પણ આગમ અને નોઆગમથી બે પ્રકારની છે. તૃપ્તિના અર્થને જાણનારી અને તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગવાળી જે વ્યક્તિ તે આગમથી ભાવતૃપ્તિ જાણવી. તથા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલી એવી અને સ્વાભાવિક આત્મ-ગુણોના અનુભવમાં જ અખંડિત રહેનારી એવી આત્મગુણોના આનંદની જે તૃપ્તિ તે નોઆગમથી ભાવતૃપ્તિ જાણવી. હવે આ જ તૃપ્તિ ઉપર સાત નયો સમજાવાય છે.
नैगमे जीवाजीवात् तृप्तिः, सङ्ग्रह-व्यवहाराभ्यां ग्रहणयोग्यद्रव्यप्राप्तौ, ऋजुसूत्रेण ईप्सितसम्पत्तौ, शब्दादिनयैस्तु स्वस्वरूपनिरावरणपूर्णाविजभोक्तृत्वेन तृप्तिः । इयञ्च पद्धतिः ओघनियुक्तिवृत्तिगताहिंसानयवद् भावनीया (गाथा-७५५)। अत्र कारणतो नामादिनिक्षेपत्रिकनैगमादिनयसत्का, वस्तुतः भावनिक्षेपशब्दादिनयरूपा एव ग्राह्या । सा च साधनकाले अपवादोद्भवा, सिद्धत्वे तूत्सर्गोद्भवा ग्राह्या । तामेवाह -
(૧) નૈગમનય ઃ આ નય ઉપચારગ્રાહી છે. તેથી પ્રયોજનવાળી કે પ્રયોજન વિનાની ચેતનવ્યક્તિ કે નિર્જીવ વસ્તુઓ પ્રાપ્ત થવાથી વસ્તુમાત્રથી જે તૃપ્તિ થાય તેને આ નયથી તૃપ્તિ કહેવાય. “સંઘર્યો સાપ પણ કામ આવે” એવી લોકોક્તિથી વસ્તુઓનો સંગ્રહ માત્ર કરી આનંદ માણવો, તૃપ્ત થવું તે આ નયથી તૃપ્તિ જાણવી.
(૨) સંગ્રહ (૩) વ્યવહારનય જે જે જરૂરી વસ્તુઓ હોય તેની અર્થાત્ ગ્રહણયોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય તેનાથી તૃપ્તિ માનવી તે.
(૪) ઋજુસૂત્રનય : ગ્રહણયોગ્ય વસ્તુઓમાં પણ જો ઈષ્ટવસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો જ ખુશી ઉપજે માટે તેને તૃપ્તિ કહેવાય છે. આ ચારે નયો બાહ્ય પુદ્ગલાદિ વસ્તુઓની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે. કારણ કે સ્કૂલનયો છે.