________________
ઓસવાલ વંશના સુશ્રાવક “તુલસીદાસ” શાહ રહેતા હતા, તેમને “ધનબાઈ” નામે સુસંસ્કારી ધર્મપત્ની હતાં, ધનબાઈ જ્યારે સગર્ભા હતાં ત્યારે પૂજય ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મ. શ્રી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ યુગલ ધર્મવૃત્તિવાળુ હતું તેથી ગુરુજીનું વ્યાખ્યાન સાંભળવા દરરોજ નિયમિત ઉપાશ્રયે જતું, ધર્મની ભાવનાથી વાસિત હતું અને વધારે વાસિત બન્યું. મહારાજશ્રીની પાસે એવી પ્રતિજ્ઞા લીધી કે “જો અમને પુત્રરત્ન પ્રાપ્ત થશે” તો અવશ્ય તેને અમે જિનશાસનને સમર્પિત કરીશું. ઉત્તમકુલમાં જન્મેલા જીવોના કેવા સંસ્કાર હોય છે? અને કેવી સુંદર ભાવના હોય છે?
ધનબાઈના ગર્ભની વૃદ્ધિ થતાં શુભ સ્વપ્નો આવવા લાગ્યાં, એક વખત ધનબાઈએ સ્વપ્નની અંદર પોતાના મુખમાં પ્રવેશ કરતો ચંદ્ર જોયો, સ્વપ્ન બરાબર ધનબાઈએ યાદ રાખ્યું. થોડાક સમયમાં ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ દંપતીએ આ આચાર્ય મહારાજશ્રીને તે સ્વપ્નનું ફળ પૂછ્યું, આચાર્યમહારાજે સ્વપ્ન શાસ્ત્રના આધારે તે સ્વપ્નનું આ પ્રમાણે ફળ કહ્યું, “તમારે ત્યાં જન્મ પામનાર બાળક મહાપુરુષ થશે, કાં તો છત્રપતિ રાજા-મહારાજા થશે અથવા દીક્ષા સ્વીકારીને મહાયોગી પુરુષ થશે.” સમય જતાં વિક્રમ સંવત ૧૭૪૬ માં ધનબાઈએ ચંદ્ર જેવા ઉજ્જવલ પુત્રરત્નને જન્મ આપ્યો અને સ્વપ્નને અનુસાર કુટુંબીઓએ તે બાળકનું નામ “દેવચંદ્ર” રાખ્યું.
.....દીક્ષાકાળ અને શાસ્ત્રાભ્યાસ
આ દેવચંદ્ર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી વાચક ત્યાં પધાર્યા. આ દંપતીએ તે સમયે કરેલી પોતાની પ્રતિજ્ઞા મુજબ બાળ દેવચંદ્રને ગુરુજીના ચરણોમાં સમર્પિત કર્યો, બે વર્ષ ગુરુજીએ પોતાની પાસે રાખ્યો, ઉત્તમ આત્મા તો હતો જ, ગુરુજીએ તેને વધારે વધારે મઠારીને તૈયાર કર્યો તથા વૈરાગ્યથી વાસિત કર્યો અને સમય પાકતાં વિક્રમ સંવત ૧૭પ૬ માં દસ વર્ષની વયે દેવચંદ્રને તેની પોતાની ભાવનાને અનુસારે દીક્ષા આપી, થોડાક સમય પછી આચાર્યશ્રી જિનચંદ્રજીએ વડદીક્ષા આપી, તેમનું “રાજવિમલ” નામ રાખ્યું, પરંતુ તેઓ “દેવચંદ્રજી” આવા પ્રાચીન નામે જ પ્રસિદ્ધ થયા. તેમના ગુરુનું નામ શ્રી દીપચંદ્ર વાચક હતું. આ પ્રમાણે મુનિપણામાં વિચારવા લાગ્યા અને શાસ્ત્રાભ્યાસમાં તથા આત્મસાધનામાં લીન બન્યા.