________________
મોહત્યાગાષ્ટક – ૪
જ્ઞાનમંજરી
यथा मूर्खः श्यामनीलपीतादिपुष्पसंयोगात् स्फटिकाभेदरीत्या नीलपीतस्वभावं जानाति, तथा वस्तुस्वरूपावबोधविकलो जीवो मिथ्यात्वाविरतिकषाययोगनिमित्ताद् बद्धैकेन्द्रियादिनामकर्मोदयाद् एकेन्द्रियादिभावमापन्नं एकेन्द्रियादिरूपमेव मन्यते, " एकेन्द्रियोऽहम्, विकलेन्द्रियोऽहम्, पञ्चेन्द्रियोऽहम् इति जानाति परं शुद्धं स्वीयं सच्चिदानन्दरूपं निर्मलं स्वरूपं नावबुध्यतीति मूर्खतापरिणतिः ।
૧૨૯
જેમ મૂર્ખ મનુષ્ય શ્યામ, નીલ અને પીત (કાળા-નીલા અને પીળા રંગના) પુષ્પોના સંયોગથી સ્ફટિકરત્નમાં પડેલા શ્યામ, નીલ, પીત એવા પ્રતિબિંબને સાચું માનીને સ્ફટિક જ શ્યામ, નીલું અને પીળું બની ગયું છે એમ અભેદભાવ માનવાની રીતિ મુજબ સ્ફટિકને જ શ્યામ, નીલ અને પીતભાવે પરિણામ પામેલું જાણે છે. તેવી જ રીતે પદાર્થના સાચા સ્વરૂપના અવબોધ વિનાનો જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તથી બંધાયેલ એકેન્દ્રિયાદિ જાતિનામકર્મના ઉદયથી એકેન્દ્રિયાદિ ભાવને પામેલ આ જીવને એકેન્દ્રિયાદિ સ્વરૂપ જ છે આમ માની લે છે. રામલીલા રમવા આવેલા પાત્રોમાં કોઈ સીતાનું પાત્ર ભજવે અને કોઈ રામચંદ્રજીનું પાત્ર ભજવે, તેને વાસ્તવિક સીતા-રામ જ સમજી લે છે. પતિ-પત્ની જ છે આમ માની લે છે. તે સ્ત્રીને સતી માનવી અને તે રામચંદ્રજીને પૂજ્ય અને ન્યાયસંપન્ન રાજા માની લેવા - આ જેમ ભ્રમ છે, ભૂલ છે. કારણ કે આ તો નાટકમાત્ર ભજવાય છે. તેવી જ રીતે “હું એકેન્દ્રિય છું, હું વિકલેન્દ્રિય છું અને હું પંચેન્દ્રિય છું’” આમ આ જીવ પણ પોતાની જાતને જે જાણે છે, તે પણ ભૂલ જ છે, ભ્રમ જ છે. પૂર્વબદ્ધ કર્મોદયજન્ય આ પણ નાટક સ્વરૂપ જ છે. જીવનું વાસ્તવિક અનાદિ-અનંત સહજસ્વરૂપ આ નથી. મૂર્ખ મનુષ્ય તેને જ સાચું માનીને હર્ષ-શોકાદિ કરે છે. પરંતુ શુદ્ધ એવું પોતાનું જ્ઞાનના આનંદમય પારિણામિક ભાવવાળું, સ્વાભાવિક નિર્મળ સાચું સ્વરૂપ છે તેને તો આ જીવ જાણતો જ નથી. આવા પ્રકારની મૂર્ખ જીવની આ મૂર્ખતાની પરિણતિ છે. મૂર્ખ જીવ શું નથી કલ્પતો ? તેમ કર્મોદયજન્ય સુખ-દુઃખથી આ જીવને સુખી-દુઃખી માનવો. આ પણ ભ્રમમાત્ર જ છે. માટે હે જીવ ! તું કંઈક સમજ. આ સાંસારિક અવસ્થાઓ તારી પોતાની નથી, કર્મોદયથી આવેલી છે અને કર્મોદય સમાપ્ત થતાં જવાવાળી છે. સ્ફટિકની આગળ શ્યામાદિ પુષ્પો ધરો ત્યારે શ્યામાદિ ભાવો દેખાય છે અને પુષ્પાદિ લઈ લો તો શ્યામાદિ ભાવો દેખાતા નથી. તેથી નિશ્ચિત થાય છે કે તે શ્યામાદિ ભાવો સ્ફટિકના પોતાના નથી, કૃત્રિમ છે, ઔપચારિક છે, આરોપિત છે. તેમ આ જીવમાં પણ એકેન્દ્રિયાદિ ભાવો કલ્પિત છે, આરોપિત છે, ઔપચારિક છે પણ વાસ્તવિક નથી. જીવનું પોતાનું પારિણામિકભાવવાળું સહજ સ્વરૂપ નથી. તેને સહજસ્વરૂપ માની લેવું તે મૂર્ખતાની જ પરિણિત છે.