________________
૧૨૮
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
સ્ફટિક જેમ સ્વાભાવિક હોય છે અને તેના ઉપર કોઈ આવરણ હોતું નથી. તથા તે સ્ફટિકની અંદર કોઈ અન્ય દ્રવ્યનો સંગ હોતો નથી. આવા પ્રકારના નિર્દોષ-નિરાવરણ અને નિઃસંગ એવા સ્ફટિકનું રૂપ જેમ અત્યન્ત નિર્મળ અને સહજ હોય છે. તેની જેમ જ વસ્તુતત્ત્વને જાણવામાત્રનું સ્વરૂપ છે જેનું એવા જ્ઞાયકસ્વભાવવાળા આત્મા નામના દ્રવ્યનું પણ સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, નિરાવરણ છે અને નિઃસંગ છે. કાદવમાં પડી ગયેલી સોનાની લગડી ભલે ચારે બાજુ કાદવથી લપેટાયેલ હોય તો પણ તે લગડી પોતે વાસ્તવિકપણે કાદવ બની ગઈ નથી. એટલે જ કાદવ દૂર કરીને અસલી-મૂલસ્વરૂપમાં લાવી શકાય છે તેમ આ આત્મા પણ વાસ્તવિક રીતિ પ્રમાણે તો સ્ફટિકની જેમ તથા સોનાની લગડીની જેમ નિર્મળ જ છે, નિરાવરણ જ છે અને નિઃસંગ જ છે.
સંગ્રહનય જે સદંશગ્રાહી છે. વસ્તુની અંદર જે સત્ અંશ છે તેને ગ્રહણ કરવા વાળી જે દૃષ્ટિ છે તેને સંગ્રહનય કહેવાય છે. આ સંગ્રહનયની અપેક્ષાએ આ આત્મા પરદ્રવ્યરૂપ ઉપાધિના સંગવાળો પણ નથી જ. કારણ કે લાડવો કાદવમાં પડ્યો છતો કાદવ બની જાય છે. તેમ સ્ફટિક કે સોનાની લગડી કાદવમાં પડી છતી કાદવ બની જતી નથી. તેમ આત્મા પણ પરદ્રવ્યોથી વીંટાવા છતાં પણ પરદ્રવ્યરૂપે બની જતો નથી, તેથી વાસ્તવિકપણે તો તેને પરદ્રવ્યનો સંગ થયો જ નથી, તે તો અલિપ્તદ્રવ્ય જ છે, સિદ્ધ પરમાત્મા સમાન છે. માત્ર સાંયોગિકભાવે સાથે મળ્યા છે. પરમાર્થથી તો આ આત્મા પરમજ્ઞાયક સ્વભાવવાળો છે. ચિદાનંદમય = જ્ઞાનના આનંદ સ્વરૂપવાળો છે. સ્ફટિકની પાછળ લાલ-લીલાં પુષ્પો ધરવાથી જેમ લાલ-લીલા રંગની ઉપાધિથી પ્રતીતિ થાય છે તેમ આરોપિત કરાયેલા ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. પુદ્ગલોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ એવાં કર્મોની ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. જેમ સ્ફટિક વ્યવહાર દૃષ્ટિએ કાદવથી ખરડાયેલ કહેવાય અને નિશ્ચયદૃષ્ટિએ શુદ્ધ કહેવાય તેમ આ આત્મા પણ વ્યવહારનયે કર્મોરૂપી ઉપાધિના સંબંધવાળો બનેલો કહેવાય છે. પરમાર્થ-દૃષ્ટિએ સ્ફટિક જેવો શુદ્ધ કહેવાય છે.
પરમાર્થના સ્વરૂપને ન જાણનારો, ઉપરછલ્લી દૃષ્ટિવાળો, સાંસારિક પ્રાપ્ત થયેલાં દુઃખો જોઈને અનેક પ્રકારની ગ્લાનિ અને મ્લાનિની અવસ્થાવાળો, ક્યારેક હસતો, ક્યારેક રડતો, ક્યારેક ગુસ્સાવાળો, ક્યારેક અભિમાનવાળો એવો જડ જેવો મૂર્ખ આ જીવ, કર્મોદયજન્ય દુઃખ-સુખને પોતાના આત્માનું સાચું સ્વરૂપ માની લઈને ત્યાં ઉપાધિજન્ય ભાવોમાં મુંઝાય છે. કર્મોદયરૂપ ઉપાધિથી આત્માની બનેલી સુખી અવસ્થામાં અથવા દુઃખી અવસ્થામાં એકતાને પામી જાય છે. તેની સાથે વ્યાપક બની જાય છે. તેને જ સાચી માની લે છે અને એટલે જ હર્ષ-શોક-ક્રોધ-માનાદિ વિકારીભાવોને પામે છે. તેથી જ નવાં નવાં કર્મો બાંધીને દુ:ખી થાય છે.