________________
૭૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
एगत्ते नत्थि सुही, बहूवघाउत्ति देसनिरुउव्व । बहुतरबद्धत्तणओ, न य मुक्को देसमुक्कोव्व ॥१५८५ ॥ ( एकत्वे नास्ति सुखी, बहूपघात इति देशनीरुज इव । बहुतरबद्धत्वतो न च मुक्तो देशमुक्त इव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - સર્વ જીવોનો એક જીવ માન્યે છતે બહુભાગ દુ:ખી હોવાથી કોઈ સુખી કહેવાશે નહીં. જેમ અંશભાગમાત્રમાં નિરોગી હોય તે નીરોગી ન કહેવાય તેમ, તથા જેમ અંશભાગમાત્રમાં મુક્તજીવ મુક્ત કહેવાતો નથી તેમ ઘણો ભાગ બંધાયેલો હોવાથી કોઈ મુક્ત કહેવાશે નહીં. ૧૫૮૫
વિવેચન - આ સંસારમાં ચાર ગતિ છે. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ, ચારે ગતિમાં અપાર જીવો ભરેલા છે. નરક અને દેવમાં અસંખ્ય-અસંખ્ય, ગર્ભજ મનુષ્યમાં સંખ્યાતા, તિર્યંચગતિમાં-નિગોદમાં અનંતા અને પૃથ્વીકાયાદિ શેષ તિર્યંચોમાં અસંખ્યાતા અસંખ્યાતા જીવો છે. આમ સર્વે મળીને કુલ અનંત-અનંત જીવો છે. તે અનંત જીવોમાં શારીરિક દુઃખો અને માનસિક દુઃખોથી દુઃખી પીડાયેલા જીવો ઘણા છે. સુખી જીવો તો બહુ જ અલ્પપ્રમાણમાં દેખાય છે. દુઃખી જીવો કરતાં સુખી જીવો અનંતમાભાગના જ માત્ર હોય છે. તેવી જ રીતે કર્મોના બંધનથી બંધાયેલા જીવો અનંત-અનંત છે. કર્મોના બંધનથી મુક્ત થયેલા જીવો તો માત્ર અનંતમા ભાગના જ છે. આ પ્રમાણે આ સંસારી જીવોનું ચિત્ર છે અને પ્રત્યક્ષ નજરે પણ દેખાય છે.
હવે જો આ સર્વે જીવો જુદા જુદા છે એમ ન માનીએ અને તે સર્વે જીવોનો એક જ જીવ છે એમ માનીએ તો તે એક માનેલો જીવ દુઃખી-દુઃખી જ રહેશે. ક્યારેય પણ સુખી થશે જ નહીં. કારણ કે તે એક જીવનો ઘણો ઘણો ભાગ તો દુઃખી જ છે. સુખી ભાગ તો બહુ જ અલ્પમાત્રામાં જ છે. જેમ ધારો કે યજ્ઞદત્ત નામનો એક માણસ છે. જે આખા શરીરમાં સર્વત્ર ટી.બી., ડાયાબીટીશ, બ્લડપ્રેસર, કેન્સર ઈત્યાદિ ઘણા જ રોગોથી પીડિત છે. ફક્ત જમણા હાથની એક આંગળીનો એક ભાગ જ નિરોગી છે. તો ઘણો ભાગ રોગી અને અલ્પભાગ નીરોગી હોવાથી યજ્ઞદત્ત નીરોગી અને સુખી નથી કહેવાતો, પણ રોગી અને દુઃખી જ કહેવાય છે. તેવી જ રીતે સર્વ જીવોનો એક જીવ માનવાથી ઘણો ભાગ દુઃખી અને અલ્પભાગ સુખી થવાથી આ જીવ ક્યારેય પણ સુખી બનશે નહીં. સદાકાલ દુઃખી જ રહેશે.