________________
૪૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
પડેલાં હોય છે. આવા સામાન્યધર્મ દેખવાથી શું આ સર્પ હશે કે રજ્જુ હશે એવો સંશય થાય છે પરંતુ ફુંફાડા મારવા, ફણા કરવી, ડંખ મારવો આ સર્પના વિશેષધર્મો છે. તે ન દેખાય ત્યાં સુધી જ સંશય રહે છે. તે વિશેષધર્મો દેખાયે છતે સંશય રહેતો નથી. અહીં વિચારીએ તો સંસારમાં સર્પ પણ છે અને રજ્જુ પણ છે તથા પ્રમાતાએ બન્ને વસ્તુ પૂર્વકાલમાં બરાબર જોયેલી પણ છે. બન્નેના સમાનધર્મનો અને વિશેષધર્મનો પરિચય પણ પ્રમાતાએ વિશેષપણે કરેલો છે. તો જ આ સંશય થાય છે. માટે સંસારમાં બન્ને વસ્તુ છે જ.
“આ સુવર્ણ છે કે પીત્તલ છે”, આ છીપ છે કે મોતી” આવા અનેક સંશયો સમાનધર્મ માત્ર દેખવાથી અને વિશેષધર્મ ન દેખવાથી થાય છે. પરંતુ સંસારમાં તે બન્ને વસ્તુઓ સદા હોય જ છે. જોયેલી પણ હોય છે, અનુભવેલી પણ હોય જ છે. તો જ સંશય થાય છે. તેમ શરીર અને આત્મા પણ આ સંસારમાં હોય તો જ સંશય થાય છે. માટે પણ આ સંસારમાં આત્મા છે જ.
પ્રશ્ન - અરણ્ય આદિ સ્થાનોમાં જ્યારે “આ સ્થાણુ છે કે પુરુષ છે” આવો સંશય થાય છે ત્યારે તે સ્થાનમાં તો તે બન્ને વસ્તુમાંથી કોઈપણ એક જ વસ્તુ હશે. બન્ને તો ત્યાં હોઈ શકે જ નહીં. તો તમે એમ કેમ સમજાવો છો કે “જે હોય છે તેનો જ સંશય થાય છે. અર્થાત્ જેનો સંશય થાય છે તે હોય જ છે. આવું કેમ સમજાવો છો ? ત્યાં છે એક વસ્તુ અને સંશય થાય છે બેનો, તો હોય તેનો જ સંશય થાય અને સંશય થાય તે હોય જ આ વાત કેમ ઘટે ?
ઉત્તર - તમારો આ પ્રશ્ન વ્યાજબી નથી. તમે હજુ અમારા આશયને બરાબર સમજ્યા નથી. જ્યાં બે વસ્તુની શંકા થાય છે ત્યાં તે બન્ને વસ્તુ હોય છે એમ અમે નથી કહેતા. પરંતુ અમે તો એમ કહીએ છીએ કે જે બે વસ્તુનો સંશય થાય છે તે બન્ને વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ સંસારમાં અવશ્ય હોય જ છે. મરેલા શરીરમાં શરીરમાત્ર જ છે, જીવ નથી. પરંતુ અન્યત્ર જીવતા શરીરમાં જીવ છે તો જ મરેલા શરીરમાં “જીવ છે કે જીવ નથી’” આવો સંશય થાય છે. ડૉક્ટર દ્વારા અથવા ઈન્દ્રિયો વડે થતા વિષય બોધ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. હવે જો જીવ આ સંસારમાં હોત જ નહીં તો તેના નામનો સંશય પણ ન જ થાત અને ડૉક્ટર દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા નિર્ણય કરવો પડત નહીં.
જે આ સંસારમાં ન હોય તેનો પણ જો સંશય થતો હોય તો પાંચ જ ભૂતો છે. છઠ્ઠું ભૂત આ સંસારમાં નથી. તો તે છટ્ઠા ભૂતનો પણ સંશય ક્યાંક-ક્યારેક પણ થવો