________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
૫૯૨
દ્વારા જ્ઞાન કરનારો આત્મા છે. કારણ કે અન્વયવ્યાપ્તિ દ્વારા અને વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા જીવને જ જ્ઞાનવાળાપણાનો નિશ્ચય થાય છે. માટે જીવ જ જ્ઞાતા છે, ઈન્દ્રિયો જ્ઞાતા નથી. જ્ઞાનનું સાધનમાત્ર છે. II૧૯૯૫-૧૯૯૬
આ પ્રમાણે જ્ઞાન જીવનો ગુણ છે, ઈન્દ્રિયોનો ગુણ નથી. આત્માના સ્વભાવભૂત જ્ઞાન છે, પણ ઈન્દ્રિયોના સ્વભાવભૂત જ્ઞાન નથી. તેથી જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઈન્દ્રિયોની નિવૃત્તિ થાય છે. પણ જીવના સ્વભાવભૂત એવા જ્ઞાનની નિવૃત્તિ શા માટે થાય ? અર્થાત્ ન જ થાય. તેથી જ્ઞાનની નિવૃત્તિ થતી નથી માટે મુક્તિગત આત્મા અજ્ઞાની નથી પણ જ્ઞાની જ છે આવી વાત સમજાવતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
नाणरहिओ न जीवो, सरूवओऽणुव्व मूत्तिभावेणं ।
जं तेण विरुद्धमिदं, अत्थि य सो नाणरहिओ य ॥१९९७॥
(ज्ञानरहितो न जीवः, स्वरूपतोऽणुरिव मूर्तिभावेन । यत्तेन विरुद्धमिदमस्ति च स ज्ञानरहितश्च ॥ )
ગાથાર્થ - “મૂર્તભાવ” એ અણુનું સ્વરૂપ હોવાથી જેમ મૂર્તભાવ વિનાનો પરમાણુ હોતો નથી એમ જ્ઞાન એ જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાનરહિત જીવ હોતો નથી. તેથી “જીવ છે અને તે જ્ઞાનરહિત છે” આમ કહેવું તે આ અતિશય વિરુદ્ધ છે. ૧૯૯૭થી
જે
વિવેચન - જે વસ્તુનું જે સ્વરૂપ હોય છે તે સ્વરૂપથી યુક્ત જ તે વસ્તુ હોય છે. તે સ્વરૂપ વિનાની તે વસ્તુ ક્યારે ય હોતી નથી. વસ્તુ હોય અને તેમાં તેનું સ્વરૂપ ન હોય આવું ક્યારેય ક્યાંય બનતું નથી. જેમકે સાકર હોય અને ગળપણ ન હોય, મરચું હોય અને તિખાશ ન હોય, મીઠું હોય અને ખારાશ ન હોય, ગોળ હોય પણ ગળપણ ન હોય આવું ક્યારે ય બનતું નથી તથા પરમાણુ-ચણુક-ઋણુક આદિ પુદ્ગલ દ્રવ્ય હોય અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળાપણું એટલે કે મૂર્તપણું ન હોય આવું ક્યારેય બનતું નથી. કારણ કે મૂર્તપણું એ પરમાણુ-ચણુક આદિનું સ્વરૂપ છે. સહજ સ્વભાવ છે. પારિણામિક ભાવ છે. તેની જેમ જીવ હોય અને જ્ઞાનરહિત હોય એમ પણ ક્યારેય ક્યાંય બનતું નથી. કારણ કે જ્ઞાન એ જીવનું સ્વરૂપ છે. તેથી “આ મુક્તાત્મા છે અને જ્ઞાનરહિત છે” આમ બોલવું તે સર્વથા વિરુદ્ધ છે. જો વસ્તુનું સ્વરૂપ ત્યાં વિદ્યમાન ન હોય તો ત્યાં તે સ્વરૂપવાળી વસ્તુનું અવસ્થાન (હોવાપણું) ઘટતું નથી. કારણ કે સ્વરૂપથી વ્યતિરિક્તપણે (સ્વરૂપને છોડીને) તે વસ્તુનું હોવાપણું જગતમાં બનતું નથી.