________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
૫૭૬
વાત અવશ્ય સિદ્ધ થાય છે. તેવી જ રીતે જીવ કર્મોથી મુકાનાર એટલે કે કર્મોનો નાશ કરનાર પણ છે. આ વાત પણ નીચેના અનુમાનથી સિદ્ધ થાય છે.
विघटते सम्यगुपायात् कोऽपि जीवकर्मसंयोगः, संयोगत्वात्, काञ्चनधातुपाषाणसंयोग = જીવ અને કર્મનો જે કોઈ સંયોગ થયો છે તે સમ્યગ્ ઉપાયોથી દૂર કરી શકાય છે. કારણ કે સંયોગ હોવાથી, એટલે કે જે જે સંયોગ હોય છે તે તે સમ્યગ્ ઉપાયોથી દૂર કરી શકાય છે. જેમકે કંચન (સુવર્ણ) અને માટીનો સંયોગ નિસર્ગપણે અનાદિ હોવા છતાં પણ ખારાદિપૂર્વક અગ્નિમાં તપાવવા આદિ પ્રક્રિયા વડે તે સંયોગ દૂર કરી શકાય છે. તેમ જીવ અને કર્મોનો સંયોગ અનાદિનો હોવા છતાં પણ રત્નત્રયીની આરાધના અને સાધના વડે આ સંયોગ દૂર કરી શકાય છે. આ રીતે જીવમાં કર્મનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ પણ ઘટે છે. તથા કર્મોથી વિખુટા પડવાપણું પણ ઘટે છે. મુક્તિગત આત્મા નિત્ય છે, અનંતકાલ ત્યાં જ રહેવાવાળો છે. છતાં સર્વવ્યાપક નથી, શરીરમાત્રમાં જ વ્યાપક છે. મોક્ષે જાય ત્યારે અંતિમ ભવના શરીર પ્રમાણે બે તૃતીયાંશ અવગાહનાવાળો બને છે. સંસારીપણામાં કર્મોનો કર્તા-ભોક્તા હોય છે અને રત્નત્રયીની સાધનાથી કર્મોના
સંયોગનો નાશક પણ હોય છે. આવું આત્માનું અને મોક્ષનું સ્વરૂપ છે. ૧૯૮૫
મોક્ષમાં ગયેલા જીવો ફરી સંસારમાં આવતા નથી. અર્થાત્ “મોક્ષ નિત્ય છે” અનંતકાલ તે જીવો મોક્ષમાં જ રહે છે. આવા પ્રકારનું અમારું જે કથન છે તેની સામે વાદીઓની ઉપરોક્ત ચર્ચા હતી કે મોક્ષ કૃતક હોવાથી ઘટ-પટની જેમ અનિત્ય હોવું જોઈએ. તેનું ખંડન અમે ગાથા ૧૯૮૨ થી ૧૯૮૫ માં કર્યું છે. પરમાર્થથી જો વિચારીએ તો સર્વે પણ વસ્તુઓ “નિત્યાનિત્ય” હોવાથી મોક્ષ પણ કેવલ નિત્ય નથી. પરંતુ નિત્યાનિત્ય જ છે. તેથી હવે અમે એમ કહીએ છીએ કે નિત્યપણામાં બદ્ધ આગ્રહવાળા થઈને અમારા વડે (જૈનો વડે) મોક્ષનું એકાન્તે નિત્યપણું ક્યાં સિદ્ધ કરાય છે ? કે સામેના વાદી મોક્ષને અનિત્ય કહે તો અમને દોષ લાગે. અમે પણ મોક્ષને કેવલ નિત્ય ન કહેતાં “નિત્યાનિત્ય” કહીએ છીએ. જેથી મોક્ષ કદાચ કથંચિત્ અનિત્ય હોય તો અમને કોઈ દોષ લાગતો નથી. કારણ કે પરમાર્થથી તો સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય એમ ઉભયરૂપ છે. ફક્ત જ્યાં જે પર્યાય ઉત્કટ હોય ત્યાં તેની વિવક્ષા કરાય અને જે પર્યાય અનુત્કટ હોય તેની વિવક્ષા ન કરાય એમ ઉત્કટ અને અનુત્કટ પર્યાયની વિવક્ષા અને અવિવક્ષાથી ફક્ત નિત્ય અને ફક્ત અનિત્ય કહેવાય છે. જેમકે ઘટ-પટ અનિત્ય અને આકાશ તથા આત્મા વગેરે નિત્ય આ ઉત્કટપણાની વિવક્ષાથી કહેવાય છે. બાકી તો સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય છે. દ્રવ્યાર્થિકનયથી નિત્ય અને પર્યાયાર્થિકનયથી અનિત્ય છે. તેથી મુક્તિ પણ નિત્યાનિત્ય છે. તેથી એકાન્ત નિત્ય કહેવાનો અમારો આગ્રહ નથી. આ વાત હવેની ગાથામાં જણાવે છે -