________________
૫૫૦
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
જનારો જીવ હતો તે વિજ્ઞાનથી અભિન્ન હોવાના કારણે વિજ્ઞાનની સાથે તે પણ ક્ષણવિનાશી થયો. તેથી પરભવ ઘટશે નહીં.
હવે કદાચ આપશ્રી એવો બચાવ કરો કે જીવ એ વિજ્ઞાનથી ભિન્ન છે. તેથી વિજ્ઞાન ભલે અનિત્ય હોય (વિનશ્વરસ્વભાવી ભલે હોય) તો પણ તે વિજ્ઞાન જીવથી ભિન્ન છે. માટે આ આત્મા સ્વયં નિત્ય છે. તેથી પરલોકનો અભાવ થશે નહીં. આપનો આ બચાવ પણ વ્યાજબી નથી. જો આ જીવ વિજ્ઞાનથી ભિન્ન હોય તો અનભિજ્ઞ (જ્ઞાનરહિત-જડ એવો) જીવ થશે. જેમ આકાશ અથવા કાષ્ઠાદિ જ્ઞાનથી રહિત છે માટે અનભિજ્ઞ (જડ) છે તેમ આ આત્મા પણ જ્ઞાનરહિત માનવાથી આકાશ અને કાષ્ઠાદિની જેમ જડ થશે. આ રીતે આ આત્મા જડ થવાથી અને નિત્ય હોવાથી કર્મોનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા ઘટશે નહીં. જેમ આકાશ જડ હોવાથી અને નિત્ય હોવાથી કર્તાભોક્તા નથી તેમ જીવ પણ કર્મોનો કર્તા અને સુખ-દુઃખાદિનો ભોક્તા રહેશે નહીં.
વળી નિત્ય એવા આત્માને સુખ-દુઃખાદિનો કર્તા-ભોક્તા માનશો તો તે આત્મા નિત્ય હોવાથી સદા-સર્વકાલે તે કર્તૃત્વ અને ભોક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. સુખનો ભોક્તા સદા સુખી જ રહેશે. દુઃખનો ભોક્તા સદા દુઃખી જ રહેશે. કારણ કે નિત્ય પદાર્થ હંમેશાં એકસ્વરૂપવાળો જ હોય છે. તથા કર્તૃત્વ અને ભોક્તત્વ ન ઘટવાથી પરલોક ઘટશે નહીં. આ રીતે પણ પરલોકનો અભાવ થશે. કર્તૃત્વ વિના પણ પરલોક માનવામાં આવે તો એટલે કે જેણે પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તેનો પણ પરભવ સ્વીકારવામાં આવે તો સિદ્ધના જીવને પણ પરભવ માનવાની આપત્તિ આવે. તથા ભોક્તત્વ ધર્મ નથી તેથી પણ પરલોકનો અભાવ થશે. કારણ કે આ જીવ જો અભોક્તા છે તો અભોક્તા એવા જીવને પરલોકના હેતુભૂત એવા કર્મનું ભોક્તત્વ ઘટે નહીં તેથી પણ પરલોક નથી.
વળી નીચેની યુક્તિથી પણ પરલોકનો અભાવ જણાય છે. તમે આ આત્માને
જ્ઞાનથી અત્યન્ત ભિન્ન માન્યો છે. જ્ઞાનથી ભિન્ન હોવાના કારણે ઘટ-પટ અને કાષ્ઠની
જેમ આ જીવ જડ થશે. અને જડ પદાર્થને પરભવગમનરૂપ સંસાર ઘટતો નથી.જે કારણથી આ જીવને સંસારીપણું (ગમનાગમનપણું) ઘટશે નહીં. કારણ કે પોતે સ્વયં અજ્ઞાનરૂપ છે, જડરૂપ છે. કાષ્ઠખંડની જેમ સંસારીપણું ઘટશે નહિ, તથા આ આત્મા અમૂર્ત હોવાથી આકાશની જેમ પણ સંસારી અવસ્થા ઘટશે નહીં. જેમ આકાશ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા નથી તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા ઘટશે નહીં. આમ મેતાર્યજી પ્રશ્ન કરે છે. ૧૯૫૯-૧૯૬૦ની
ઉપરના પ્રશ્નનો હવે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઉત્તર આપે છે